ગાંધીનગર: બાવળા નજીક ખાનગી રિસોર્ટમાં બે દિવસથી ભારતના ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે મળેલી ચિંતન શિબિરમાં ભાજપે વિધાનસભા ચૂંટણી જીતવા રોડમેપ તૈયાર કર્યો છે. સમાપન બાદ મિડીયા સમક્ષ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 150 દિવસ પછી જાહેર થનારી ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી મેળવશે એવો દાવો કર્યો હતો. આ જીતમાં જ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિજયના પાયો નંખાશે એમ તેમણે ઉમેર્યુ હતુ.
પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને ભાજપ સામેના પડકારો અંગે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, વર્ષ 1990 પછી ગુજરાતમાં દરેક ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતો રહ્યો છે. વર્ષ 2020ના અંતે વિધાનસભાની 9 બેઠકોની પેટા ચૂંટણીથી લઈને 2021ના આરંભે પાલિકા- પંચાયતોમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતનો ઉલ્લેખ કરતા તેમણે ગુજરાતમાં ભાજપનું સંગઠન નિરંતર કામ કરે છે.
કાર્યકરોના બળે ભાજપનું સંગઠન અપરાજિત થઈ ગયાનું ઉમેર્યુ હતુ. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નવી- જૂની સરકારના સિનિયર મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ મળીને 40 જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી જીતવા માટે આગામી પાંચ- છ મહિનાના કાર્યક્રમોથી લઈને જવાબદારીઓની વહેંચણી સંદર્ભે વિમર્શ થયાનું કહેવાય છે.

