નડિયાદ: આણંદ જિલ્લાના શીલી , ખાનકૂવા અને દાગજીપુરા ગામમાં આકાશમાંથી પડેલા ગોળા(દડો) મળ્યા બાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ભૂમેલ સેવારિયા તલાવડી વિસ્તારના એક ખેતરના શેઢા ઉપર આકાશમાંથી વાદળી રાખોડી કલરનો ગોળો જોવા મળતાં ભારે કુતુહલ સર્જાર્યું હતું. આ ગોળો રાત્રિ ના અઢી વાગ્યાના સુમારે પડયો હતો .આ સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં બાળકો સહિત મોટેરાઓ પણ જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં ચકલાસી પીએસઆઇ સહિત સ્ટાફ સ્થળ પર પહોંચી ગયા હતા. નડિયાદ તાલુકા ભૂમેલ સેવારિયા તલાવડી પાસે આવેલ પોલ્ટ્રીફાર્મમાં શુક્રવારે રાત્રે સૂઇ રહેલા મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે રાત્રિના બે થી અઢી વાગ્યાના સુમારે બાજુમાં આવેલ દિનેશભાઇ પરમારના હળદરવાળા ખેતરમાં ભારે અવાજ આવ્યો હતો જેથી મે રાત્રે ખેતરમાં તપાસ કરતાં શેઢા ઉપર મોટા લોખંડના ગોળા માંથી વરાળ નીકળતી હતી. આ દ્રશ્ય જોઇને પરત પોલ્ટ્રી ફાર્મ આવી ગયો હતો. સવારે 6.30 વાગે હું અને ખેતર માલિક દિનેશભાઇ પરમાર ખેતરમાં આવતાં અમો બંનેએ શેઢા પર જઇને જોયું હતો રાખોડી કલરનો મોટા ગોળો પડેલો હતો. તેના ઉપરના ચાર બોલ્ટ ફિટ કરેલા હતા.

