કચ્છની દૂધઈ નર્મદા પેટા શાખા નહેરનું વધુ 45 કિમીનું વિસ્તરણ કરવા મુખ્યમંત્રીની જાહેરાત

Tuesday 17th May 2022 11:42 EDT
 
 

ભુજઃ કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે.જેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. આ વેળાએ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ 45 કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે, ઉલ્લેખનીય છે કે આ પેટા કેનાલના અટકેલા કાર્યના નિર્માણ માટે કચ્છ કિશાન સંઘ દ્વારા ગત માસની 24 તારીખે રુદ્રામાતા સ્થળેથી ભૂજ સુધી ટ્રેકટર રેલી યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વધારાની 45 કિ.મી. લંબાઈમાં 176 જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આ બેઠકમાં આપ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના 23.025 કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે. હવે, આ નહેરને ભુજના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે. આ કેનાલ માટે મુખ્યમંત્રી સમક્ષ અગ્રણીઓએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે.


comments powered by Disqus