કચ્છમાં ભૂકંપગ્રસ્તોને મકાનની સનદો અપાશે

Tuesday 17th May 2022 11:47 EDT
 
 

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીના પુર્નવસન અનવ્યે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને મકાનમાલિકી હક્ક-સનદ આપવાનો માનવીય સંવેદનાપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે, કચ્છમાં 2001માં આવેલા ભયાવહ ભૂકંપ પછી પુનર્વસન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તત્કાલીન સમય સંજોગોને આધીન રહીને અલગ-અલગ સ્થળોએ મકાન-આવાસ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ગામો ભૂકંપ અસરગ્રસ્ત થયેલા અને વિશાળ સંખ્યામાં આવાસોની જરૂરિયાત ઊભી થતાં ખૂબ મોટા પાયે આવાસો નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવા ઘણા બધા ગામોમાં વસવાટ કરી રહેલા અસરગ્રસ્તો પાસે મકાનનો કબજો છે પરંતુ મકાનધારકો પાસે માલિકી હક્ક-સનદ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆત આવતાં તેમણે માનવીય અભિગમ દર્શાવી આવા મકાનધારકોને માલિકી હક્ક-સનદ આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.


comments powered by Disqus