મોરબી: મોરબી જિલ્લાના નવલખી પોર્ટમાં મોટા પાયે કોલસાનું પરિવહન થાય છે. અહીં વિદેશથી કોલસો પોર્ટ પર ઉતરે છે. ત્યા઼થી રેલ્વે દ્વારા અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે. શ્રીજી શિપિંગ નામની કંપનીનું કોલસો ભરેલું બાર્જ મોરબી તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન બાર્જમાં કોઈ સ્થળે લીકેજ થતા ડૂબવા લાગ્યું હતું. ગણતરીની કલાકોમાં આશરે 1200થી 1500 ટન કોલસો ભરેલા બાર્જએ જળસમાધિ લઇ લીધી હતી. પોર્ટના અધિકારીઓએ ઘટના પર પડદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ શ્રીજી શિપિંગના કર્મચારીઓએ જ બાર્જ ડૂબવાની ઘટનાને સમર્થન આપ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કોલસા અને બાર્જ ડૂબવાના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિ તેમજ આસપાસના વિસ્તારોમાં કેટલું નુકશાન થયુ અને દરિયાના પાણીમાં પ્રદૂષણની સ્થિતિ અંગે પણ તપાસ કરી હતી. આ બાબતે ગુજરાત મેરિટાઈમ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.પોર્ટ અધિકારી હિરવાણી દ્વારા પણ આ અંગે કોઈ જ સતાવાર જાણકારી આપવામાં આવી નથી.

