પોરબંદર: પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહેલી ઓખાની બોટ પર ફાયરીંગ કરી તેમાં રહેલા આઠ ખલાસીના અપહરણ કર્યા છે. જેમાં બે ખલાસીને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. જો કે આ ઘટના અંગે સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું.
ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્રની કેટલીક બોટો ફિશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક મરીનની પેટ્રોલિંગ શિપ ત્યાં આવી ચડી હતી અને હવામાં ફાયરીંગ કરતા બોટોમાં નાસભાગ મચી હતી. નજીકમાં રહેલી અલ કિરમાણી બોટ પર પણ ફાયરીંગ કર્યું હતું. અને તે બોટનું 8 ખલાસી સાથે અપહરણ કરી તમામને કરાચી તરફ લઈ ગયા હોવાનું જાણવા મળે છે. ફાયરીંગ દરમિયાન બે ખલાસીને ઈજા થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ ઘટનાને હજુ સુધી દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સમર્થન આપી રહી નથી. એકતરફ વધતા જતા ડીઝલના ભાવના કારણે હાલ સૌરાષ્ટ્રની મોટા ભાગની બોટો કિનારે લાંગરી દેવામાં આવી હતી. ત્યારે બીજી તરફ કેટલી બોટો ફિસિંગમાં જાય છે ત્યારે પાક મરીનનો સામનો કરવો પડે છે. અવારનવાર પાક મરીન દ્વારા ભારતીય બોટો અને ખલાસીઓનું અપહરણ કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે કેદીની સંખ્યા અંગે આપ-લે કરાઈ છે આંકડા મુજબ પાકિસ્તાનની કેદમાં ભારતના 51 નાગરિકો અને 577 માછીમારો છે.
