યોજનાઓમાં 100 ટકા સિદ્ધિ એ આંકડા નહીં, ગરીબો પ્રત્યેની સંવેદના છેઃ મોદી

Tuesday 17th May 2022 11:49 EDT
 
 

ગાંધીનગર: ભરૂચના ભોલાવ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ચાર યોજનાઓના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે સરકારની ગરીબલક્ષી યોજનાઓ હેઠળ સો ટકા લાભાર્થીને આવરી લઈ પંથ કે વર્ગના ભેદભાવ વિના સાથે ગરીબ કલ્યાણની પ્રત્યેક યોજનાથી લાભાર્થી વંચિત ન રહે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે. યોજનાઓમાં 100 ટકા લક્ષ્ય સિદ્ધિ એ આંકડાકીય નહીં શાસનની સંવેદનશીલતા છે.
સરકારની યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ હક્કદારને મળે છે તેમ જણાવી મોદીએ કહ્યું કે સરકારી યોજનાના તમામ લોકોને લાભ મળવાથી એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન પણ આવે છે. ગરીબોને તેનો લાભ મળવાથી ગરીબ યાચકની ભાવનામાંથી બહાર આવે છે. સરકાર તેમના ઘરે પહોંચે અને લાભ આપે ત્યારે તેમનામાં કર્તવ્ય ભાવનાના પણ બીજ રોપાય છે. તુષ્ટિકરણની રાજનીતિનો પણ અંત આવે છે.
વર્ષો પહેલાં કહેલું કે ભરૂચમાં કોંગ્રેસ ક્યારેય નહીં જીતે, તે સાચું પડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચના ભરપૂર વખાણ કર્યા હતા. 40 વર્ષ પહેલાંની વાત યાદ કરીને તેમણે કહ્યું હતું કે એ વખતે હું સભા કરવા ગયો હતો ત્યારે મેં કહ્યું હતું કે કોંગ્રેસ ભરૂચની ચૂંટણીમાં ક્યારેય જીતી શકશે નહીં. મારી વાત આજે સાચી પડી છે તેનો આનંદ છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલાં તો હું રાજકારણમાં નવો હતો. શીખતો હતો. સભા કરવાનો મોકો મળતો ન હતો પરંતુ એકવાર મને ભરૂચમાં સભા કરવા બોલાવવામાં આવ્યો ત્યારે લોકો એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે ઊભા રહેવાની જગ્યા નહોતી.


comments powered by Disqus