વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન બનાવવા વિચારણા

Tuesday 17th May 2022 11:48 EDT
 
 

ગાંધીનગરઃ વડનગરના ભવ્ય ઈતિહાસને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિચારણા કરી છે, જેના ભાગરૂપે વર્લ્ડ મ્યુઝિયમ ડે નિમિત્તે 18મીમેના રોજ ત્રણ દિવસ સુધી મહાત્મા મંદિરમાં વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે જેમાં આઠ વિદેશી સહિત કુલ 28 વક્તા રહેશે. યુનેસ્કોના પ્રતિનિધિ, સાહિત્યકારો, ઈતિહાસવિદ્દ, પુરાતત્વવિદ, સેપ્ટ યુનિવર્સિટીના તજજ્ઞો, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસરો તેમજ ડેક્કન કોલેજ, પૂના સહિત 2000 લોકો ભાગ લેશે. કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રિય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી પણ હાજર રહેશે. આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ વડનગરના પુરાતન ઐતિહાસિક મહત્ત્વ, સ્થાપત્ય વારસો, નગરરચના જેવી મહત્ત્વપૂર્ણ બાબતોને વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને ‘લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન’ તરીકે વિક્સિત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે. આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ એવા વડનગરના વૈભવ વારસાને પ્રવાસન વૈવિધ્ય ધામ તરીકે વિક્સાવવા અંગે ચર્ચા થવાની છે.


comments powered by Disqus