સલાયાથી દુબઈના બદલે વહાણને ગેરકાયદે મસ્કત લઈ જવાયું

Tuesday 17th May 2022 11:26 EDT
 

સલાયાઃ સલાયાથી સપ્ટેમ્બર 2020માં વહાણને દુબઈ લઈ વજાની મંજૂરી વહાણના સંચાલકોએ મેળવ્યા બાદ વહાણને દુબઈ લઈ વજાના બદલે ગેરકાયદે રીતે મસ્કત લઈ જવાયું હોવાના કોસ્ટગાર્ડના ધ્યાનમાં આવતા કોસ્ટગાર્ડ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવાતા ખંભાળિયા ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સલાયાથી એમ.એસ.વી. સફીના અલ ઘૌસ સૈલાની નામના વહાણને તેના જામનગરના સંચાલકો દ્વારા સપ્લાયર અર્થે સલાયાથી દુબઈ જવા માટેની મંજૂરી કોસ્ટ ગાર્ડ પાસેથી મેળવવામાં આવી હતી. ગત તા. 19 સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં આ વહાણને સલાયાથી દુબઈ લઈ જવાના બદલે વહાણ સંચાલકો દ્વારા મસ્કત ઓમાન લઈ જવામાં આવ્યું હતું. આમ, મંજૂરી વગર અન્ય દેશમાં જવા ઉપરાંત અન્ય વહાણના ક્રૂ મેમ્બરને પોતાના વાહનોમાં ગેરકાયદેસર રીતે સલાયા લઈ જવામાં આવ્યા હોવાનું કોસ્ટ ગાર્ડના ધ્યાને આવ્યું હતું.
આટલું જ નહીં આ ક્રૂ મેમ્બરનો પગાર સલાયાથી ભારતીય ચલણમાં કરવામાં આવ્યો હોવાથી આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી અને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાના આશય સાથે ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરવા ઉપરાંત આ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ગણાવી અને ફોનનો ડેટા ડીલીટ કરી પુરાવામાં ફેરફાર કરી અને નાશ કરવામાં આવ્યો હતો.
આમ, આ સમગ્ર કૌભાંડ કોસ્ટ ગાર્ડ તથા પોલીસ તંત્રના ધ્યાને આવતા પોલીસે આ અંગે કોસ્ટ ગાર્ડ અધિકારી ગૌરવ ત્યાગીની ફરિયાદ પરથી વહાણના અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી આ સમગ્ર પ્રકરણની તપાસ ખંભાળિયાના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને સોંપવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


comments powered by Disqus