રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત જૂનાગઢના 15 વર્ષીય સગીર બ્રેઈનડેડ થતાં તેની આંખ અને સ્કિનનું દાન કરવામાં આવ્યું હતું. દાન કરનાર સગીરના પરિવારજનોએ હૃદયદ્રાવક આપવીતી જણાવી હતી. ફેનિલના પિતાજીએ જણાવ્યું હતું કે 9 મે સુધી તો ફેનિલ મારી સાથે એન્જોય કરતો હતો બાદમાં અચાનક જ તેના મગજનું સંતુલન ગુમાવવા લાગતા હું તુરંત જૂનાગઢ હોસ્પિટલમાં લઇ ગયો. ઈમરજન્સી સારવાર શરૂ કરી. ત્યાં ફેનિલના રિપોર્ટ ખરાબ આવ્યા. ડોકટરે કહ્યું, વધુ સારવાર માટે ફેનિલને રાજકોટ લઇ જવો પડશે. જૂનાગઢથી તાત્કાલિક ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સમાં અમે ફેનિલને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા. 50 હજારના જુદા-જુદા રિપોર્ટ કરાવ્યા પરંતુ એકાએક બ્રેઈન ડેડ થવાનું અને અંગો ડેમેજ થવાનું સચોટ કારણ ડોક્ટરને પણ જાણવા ન મળ્યું. સારવારમાં કોઈ કચાશ નથી રાખી. એકદમ હાઈફાઈ ટ્રીટમેન્ટ કરી. સારવાર દરમિયાન પણ ફેનિલ ઘેર જવાનું કહેતો હતો.
48 કલાકની ટ્રીટમેન્ટ સાઇકલ પૂરી થઇ ન હતી ત્યાં ડોકટરે મને બોલાવ્યો અને કહ્યું કે ફેનિલને ઝીરો ટકા રિકવરી છે, આટલી બધી ટ્રીટમેન્ટ ચાલુ છે છતાં મગજમાં સોજા આવી ગયા, ટ્રીટમેન્ટની સાઇકલ પૂરી કરવામાં પણ આપણી જીત નથી. પછી હું સમજી ગયો અમે ડિસ્ચાર્જની મંજૂરી લીધી. ડોક્ટરોની ટીમે 12મીએ રાત્રે ફેનિલને બ્રેઈનડેડ જાહેર કર્યો. મેં ડોક્ટરને કહ્યું કે, મારે ફેનિલના બધા અંગો દાન કરવા છે. ડોક્ટરે કહ્યું, લિવર અને કીડની ડેમેજ છે પછી અમે આંખો અને સ્કીનનું દાન કર્યું.

