હું કોંગ્રેસથી નારાજ છું, નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશેઃહાર્દિક

Tuesday 17th May 2022 11:25 EDT
 
 

રાજકોટઃ ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. જેનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું, અલ્પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા કરી છે. નરેશભાઇ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું. નરેશભાઈએ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેચવા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે બાદ 22થી 25 કેસ પાછા ખેચાયા હોવાથી તેમનો આભાર માનવા પણ આવ્યા હતા. હજી 244 જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજુઆત પણ કરી છે. સાથોસાથ તેમનો કોઈ પણ રાજકીય નિર્ણય હોય તેમાં અમે સૌ સહમત છીએ.
નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારે એને જ પૂછવાનું રહેશે
વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી આજસુધી. 2015 હોય, 2017 હોય અમે અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે જોડવાનું કામ કર્યું છે. અમે કામ માગીએ છીએ, અમે થોડા પદ માગીએ છીએ. નરેશભાઈને કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ડાયરેક્ટ ચર્ચા થઈ છે. આથી લોકલ નેતાઓ સાથે શું ઇસ્યુ છે તેનો મને વધારે ખ્યાલ નથી. નરેશભાઈ સોનિયાજી અને રાહુલજી સાથે ચર્ચા કરે છે તો આશા રાખું છું કે, ટૂંક સમયમાં ત્યાંથી જ નિર્ણય આવી જશે.


comments powered by Disqus