આણંદમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે ૧૦૯મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

Tuesday 18th January 2022 12:17 EST
 

આણંદઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને સ્વ. ચુનીલાલ પરસોત્તમદાસ પટેલ પરિવાર તેમજ પાટીદાર સમાજ પલાણા દ્વારા ૧૦૯મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનારા પ્રત્યેક નવયુગલને કુલ ૪૦થી વધુ ભેટસોગાદો આપવામાં આવી હતી. જેમાં ફ્રીઝ, ઘરઘંટી, ટીવી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, મીકસર, ગેસ સ્ટવ વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો.
સમૂહલગ્નોત્સવના દાતાઓ સ્વ. ચુનીલાલ પરસોત્તમદાસ પટેલ પરિવારના નવીન ચુનીલાલ પટેલ-સેવાલિયા, કનુ ચુનીલાલ પટેલ-સેવાલિયા, દિનેશચંદ્ર ચુનીલાલ પટેલ-સંકેત ઈન્ડિયા આણંદ, પ્રવીણ ચુનીલાલ પટેલ-USA અને ભરત ચુનીલાલ પટેલ-આણંદ/સેવાલિયા પાટીદાર સમાજ પલાણા દાતાઓ હતા. ઉલ્લેખનીય છે કે, માતૃસંસ્થા દ્વારા સન ૧૯૮૫માં પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજવાનું સામાજિક ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું હતું. સમારંભના પ્રમુખસ્થાને માતૃસંસ્થાના પ્રમુખ નગીન પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, સમાજ દ્વારા સામાજિક કાર્યોની સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કર્યો થયા છે જેનાથી ચરોતરની ખ્યાતિ દેશવિદેશમા ફેલાઈ છે. આ સમૂહલગ્નોત્સવ વિશિષ્ટ હતો કારણ કે સ્વ. ચુનીલાલ પરસોત્તમદાસ પટેલ પરિવાર પલાણા/આણંદ/સેવાલિયા તરફથી એકલા હાથે સમૂહલગ્નોત્સવનો સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો.


comments powered by Disqus