એક જ દિવસમાં ‘આપ’ને ત્રણ ઝટકાઃ સવાણી, સુંવાળા અને નિલમ વ્યાસે પાર્ટી છોડી

Tuesday 18th January 2022 15:14 EST
 
 

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના નેતા અને સુરત સ્થિત સૌરાષ્ટ્ર પાટીદાર બિઝનેસમેન મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. કેટલાંય સમયથી આમ આદમી પાર્ટીમાં બીજી હરોળમાં સ્થાન મેળવીને પાર્ટીને સમગ્ર ફાઇનાન્સ પૂરું પાડતાં આ નેતાએ હાલ રાજકીય સંન્યાસ લેવાનું જાહેર કર્યું છે.
સવાણી થોડા સમય પહેલાં જ પેપર લીક મામલે ઉપવાસ પર બેઠા હતા. તે દરમિયાન તેઓ બભાન થઇને ઢળી પડ્યા અને પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન સવાણીને આપના દિલ્હીના કોઇ નેતાએ સંપર્ક પણ કર્યો ન હતો તેથી તેઓ વ્યથિત હતા. સવાણીને આપ છોડી દેવા ઘણાં રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના વડાંઓએ પણ સમજાવ્યા હોવાનું જાણમાં આવ્યું છે.
બીજી તરફ સોમવારે લોક ગાયક વિજય સુંવાળા અને આપના શહેર યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસે પણ આપ પાર્ટી છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. ભાજપમાં જોડાતી વખતે તેમની સાથે પક્ષ પ્રમુખ સી. આર. પાટીલ હાજર હતા. સુંવાળાએ કહ્યું કે પાટીલ તેમને તેમના માતા-પિતા જેટલાં જ વહાલા છે અને તેઓ પણ પાટીલના દિલમાં છે. પોતાની ત્રણ પેઢી ભાજપમાં જ માને છે અને સવારે ઘર ભૂલીને સાંજે તેઓ પરત આવ્યા છે.
૭ મહિના પહેલાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટી(AAP) છોડી દીધી છે. તેમને મનાવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની ઓફિસે પહોંચ્યા હતા. કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી.


comments powered by Disqus