એક દિવસથી લઈ સપ્તાહ સુધી રાજ્યભરના મંદિરો બંધ

Tuesday 18th January 2022 15:13 EST
 
 

અમદાવાદઃ રાજ્યભર કોરોનાના વધતા કેસના પગલે વિવિધ મંદિરોને એક દિવસથી લઈને એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતા જગતમંદિર અને બેટ દ્વારકા ૧૭ થી ૨૩ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે. આ ઉપરાંત બહુચરાજી પણ એક અઠવાડિયું બંધ રહ્યું હતું. જોકે ડાકોર અને શામળાજી પોષી પુનમના એક દિવસ માટે બંધ રહ્યું હતું. ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પણ દર્શન ચાલુ જ રહેશે, આ દરમિયાન બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજયમાં દિનપ્રતિદિન કોરોનાં કેસ વધતા રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં ૧૫૦ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે તેવા નિયંત્રણો તા.૨૨ જાન્યુઆરી સુધી મુકવામાં આવ્યા છે. સોમવારે પૂર્ણિમા હોય આ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રાધામમાં દર્શનાર્થે આવે છે. આથી આ બાબત ધ્યાનમાં રાખી કોરોનાં સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં રૂપે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેક્ટર દ્વારા તા.૧૭ થી ૨૩ જાન્યુઆરી સુધી જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


comments powered by Disqus