લંડનઃ બ્રિટનમાં જ્હોન ઓ’ગ્રોટ્સથી લેન્ડ’સ એન્ડ સુધી ૮૭૪ માઈલનું અંતર કાપવું ટુ વ્હીલર માટે પણ જોખમી ગણી શકાય પરંતુ, ૩૧ વર્ષીય એલેક્સ ઓર્ચિને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ મુજબ ત્રણ વ્હીલ સાથે વિશ્વની સૌથી નાની કાર ગણાયેલી Peel P50માં ૨૩ દિવસનો પ્રવાસ ખેડીને નવો વિક્રમ સર્જ્યો છે. આમ તો અથડાતા-કુટાતા ફરીને તેણે ૧,૪૮૮ માઈલનું અંતર કાપ્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેણે ‘ચીલ્ડ્રન ઈન નીડ’ ચેરિટી માટે ૧૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી. પીલ P50 કારે રસ્તામાં કોઈ તકલીફ આપી ન હતી પરંતુ, ૫ ફૂટ અને ૧૧ ઈંચની લંબાઈ સાથે કારમાં ગોઠવાવું ઓર્ચિન માટે અગવડભર્યું રહ્યું હતું.
ઈસ્ટ સસેક્સના વાઈવેલ્સફિલ્ડના ઓર્ચિનને સંગીતવાદ્યો વગાડવાનો શોખ છે. તે પોતાની યાત્રામાં પિયાનો, બેગપાઈપ્સ અને ગિટાર પણ લઈ ગયો હતો. લાંબા સમયથી વિન્ટેજ કાર્સનો દીવાના રહેલા ઓર્ચિને ટોર ગીઅરના જેરેમી ક્લાર્કસનને ૧૯૬૦ની પીલ P50 મોડેલ હંકારતો જોયો ત્યારે જ તેણે આ કાર ખરીદવાનો નિશ્ચય કરી લીધો હતો. તેણે ત્રણ વર્ષ અગાઉ આ કાર ખરીદી હતી. પીલ P50 કારનું બંધ કરી દેવાયેલું ઉત્પાદન ૨૦૧૧માં ફરી શરૂ કરાયું હતું. આ કારના વિન્ટેજ મોડેલ્સની કિંમત ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ છે જ્યારે નવા મોડેલની કિંમત ૧૨,૪૯૫ પાઉન્ડથી શરૂ થાય છે.
એલેક્સ ઓર્ચિનનો ૨૩ દિવસનો આ પ્રવાસ ૧૩ નવેમ્બરથી આરંભાઈ ૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પૂર્ણ થયો હતો. પ્રતિ કલાક ૨૩ માઈલની મહત્તમ ગતિએ તે દિવસમાં સરેરાશ ૧૦૦ માઈલનું અંતર કાપતો હતો. જોકે, તેના મિત્ર જોલીની સહાય વિના આ પ્રવાસ પૂરો કરી શકાયો ન હોત તેમ ઓર્ચિનનું કહેવું છે. જોલી ૧૯૮૦ની કેમ્પર વાનમાં તેની સાથે રહ્યો હતો અને ચાના કપની તૈયારી, બેગપાઈપ્સ તેમજ અન્ય માલસામાન સાથે રાખવા, ભોજનપાણી સહિતની વ્યવસ્થા જોલીએ સંભાળી હતી. ઓર્ચિને અગાઉ, ૨૦૧૮માં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે લંડનથી બ્રાઈટન સુધી ચેરિટી બાઈક રાઈડમાં ભાગ લીધો હતો.

