ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં રૂ. ૬ લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું

Tuesday 18th January 2022 15:18 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ૧૦મી વાયબ્રન્ટ ઈન્વેસ્ટર સમિટ ભલે મોકૂફ રાખવામાં આવી હોય પરંતુ કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ મૂડીરોકાણ આવ્યું છે. ગુજરાતે ૨૦૧૭થી ૨૦૨૧ના વર્ષો દરમિયાન ૫,૯૯,૧૨૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ મેળવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભારત સરકારના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા જણાવે છે કે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતને ૧૭૪૪ ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિનિયોર મેમોરેન્ડમ મળ્યાં છે જે ભારતના કુલ મૂડીરોકાણનો અંદાજે ૨૫ ટકા હિસ્સો ધરાવે છે.
આ સમયગાળામાં રાજ્યમાં કુલ ૧૨૧૮ અરજીઓ અમલમાં આવી હતી. જેમાં કુલ ૩,૪૧,૨૨૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે. આ સમયમાં કુલ વાસ્તવિક મૂડીરોકાણમાં ૨૫.૮ ટકાનો હિસ્સો છે. ૨૦૨૧ જાન્યુઆરીથી નવેમ્બર મહિનામાં ગુજરાતને ૫૦૬૪૫ કરોડના મૂડીરોકાણ સાથેના ૧૯૯ ઈન્ડસ્ટ્રીયલ એન્ટપ્રિનિયોર મેમોરેન્ડમ પ્રાપ્ત થયાં છે.

૫ વાઇબ્રન્ટ સમિટમાં રૂ. ૪૦ લાખ કરોડના વાયદા ૯ સમિટમાં રૂ. ૧૪ લાખ કરોડ મૂડી રોકાણ આવ્યું
કોરોનાના કારણે સતત બીજા વર્ષે વાઇબ્રન્ટ સમિટને ગ્રહણ લાગ્યું છે. ૨૦૨૧ બાદ ૨૦૨૨માં પણ કોરોનાના કેસો વધવાના કારણે સમિટ મોકૂફ કરવામાં આવી છે. ૧૦ થી ૧૨ મી જાન્યુઆરી સુધી ૧૦મી વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી. ૨૦૦૩થી ૨૦૧૯ સુધી યોજાયેલી ૯ વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધી કુલ ૧૪.૯૮ લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે.
૨૦૦૩થી ૨૦૧૧ સુધીની પહેલી ૫ સમિટમાં જ ૪૦ લાખ કરોડ મૂડીરોકાણના વાયદા થયા હતા. બાદમાં ૨૦૧૩થી ૨૦૧૯ સુધીની ૪ સમિટમાં મૂડીરોકાણના કેટલા વાયદા કરવામાં આવ્યા હતા એ આંકડા સરકાર પાસે પણ નથી. વાઇબ્રન્ટની ૯ સમિટમાં કુલ ૧૦૪૮૭૨ MoU થયા છે જેમાંથી ૨૫૪૯૭ એટલે કે ૨૫ ટકા MoU ડ્રોપ થયા છે.


comments powered by Disqus