નવસારી: જલાલપોરના માણેકપોર ટંકોલી ગામે મંદિર ફળિયામાં રહેતા માવજીભાઈ પટેલ અને તેમનો પરિવાર છેલ્લા ૩૦ વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાઈ થયો છે. માવજીભાઈના પત્નીના અવસાન બાદ ઘણા સમયથી તેઓ પુત્ર ઝવેરભાઇ સાથે રહેતા હતા. માવજીભાઈનાં મકાનમાં અચાનક રહસ્યમય રીતે આગ ભભૂકી ઉઠી હતી અને આગે જોતજોતામાં વિનાશક સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં ધુમાડાનાં ગોટેગોટા ઉડવા સાથે આસપાસનાં વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. ઘરમાંથી બહાર નીકળવાનાં રસ્તા આગની ઝપેટમાં બંધ થઈ જતાં પિતા-પુત્ર મકાનમાં જ ફસાયા હતા. ઓકલેન્ડ ફાયર બ્રિગેડ મદદ માટે આવે તે પૂર્વે જ આગની જવાળા વધુ વિનાશક બનતાં વૃદ્ધ પિતાને બહાર કાઢવા માટે પ્રયાસોમાં સફળતા નહીં મળતા આખરે પુત્ર ઝવેરભાઈ ઘરની બારીમાંથી જીવ બચાવવા માટે બહાર કૂદી ગયા હતા. જ્યારે માવજીભાઈ પટેલનું દાઝી જવાથી મોત થયું હતું. ફાયર ફાઈટરોની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં મકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું હતું. આગ કયા કારણોસર લાગી હતી તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.
