નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટને કહ્યું છે કે પારસીઓ માટે કોરોના મૃતકોની અંતિમવિધિની એસઓપીમાં ફેરફાર નહીં કરી શકીએ. પારસી ધર્મમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરવાની મનાઈ છે. તેઓ પરંપરાગત રીતે મૃતકોને કુદરતી રીતે સડવા માટે મૂકી દે છે.
આ વાતનો ઉલ્લેખ કરતા સરકારે કહ્યું છે કે પારસીઓ દ્વારા કરાતી અંતિમવિધિમાં મૃતદેહ ખુલ્લો હોય છે, જેમાં સક્રિય કોરોના વાઈરસ હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર અને દફનવિધિ નહીં કરવામાં આવે તો તે વાતાવરણ તેમજ અન્ય પશુ-પક્ષીઓના સંપર્કમાં પણ આવશે.
સુરતમાં કોરોનાના કારણે કેટલાક પારસીઓનાં પણ મૃત્યુ થયાં હતાં. આ દરમિયાન સુરત પારસી પંચાયત બોર્ડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પરંપરાગત રીતે અંતિમવિધિ કરવાની મંજૂરી માંગી હતી. જોકે, આ અરજી ફગાવી દેતા બોર્ડે સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. બાદમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને એ.એસ. બોપન્નાની બેન્ચે આ અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જોકે, સરકારે પારસીઓ માટે અંતિમવિધિની એસઓપી બદલવાની ના પાડી દીધી હતી.
આ કેસની સુનાવણીમાં અરજદાર તરફથી સિનિયર એડવોકેટ ફલી નરીમાને રજૂઆત કરી હતી કે પારસી સમાજમાં ‘નશેશાલાર’ હોય છે. આ લોકો વ્યવસાયિક ધોરણે મૃતદેહોની પારસી પરંપરા પ્રમાણે અંતિમવિધિ કરે છે, પરંતુ કોરોના ગાઈડલાઈનમાં તેમને લગતો કોઈ જ ઉલ્લેખ નથી. બંધારણની કલમ ૨૧ માં ફક્ત જીવતા લોકોને નહીં, પરંતુ મૃત્યુ પછી પણ અધિકાર અપાયા છે. અગાઉ આ અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને મૃતદેહોની અંતિમવિધિની ગાઈડલાઈન નક્કી કરી છે, જેમાં પારસીઓના મૂળભૂત અધિકારીઓનું હનન થતું નથી.
