પોરબંદરઃ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીની ડખ્ખામાં સરાજાહેર બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણામાં ફાયરિંગ કરી બે યુવાનની હત્યા કરવામાં આવી હતી.
પોરબંદરના ઇન્દિરાનગરમાં વાછરાદાદા મંદિર સામેની શેરીમાં રહેતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલિકાની ચૂંટણીમાં હારી ગયેલા વનરાજ પરબત કેશવાલા તથા તેના ભાઈ રાજ અને વિજય તથા રાજના બે મિત્રો પ્રકાશ પદુ જુંગી અને કલ્પેશ કાનજી ભુતીયા તથા રાજનો સાળો નીરું સહિતના વિરભાનુની ખાંભી પાસે પહોંચ્યા હતા ત્યારે ઇન્દિરાનગરમાં રહેતો હાજા લખમણ ઓડેદરા તથા તેનો ભાઈ અરભમ લખમણ ઓડેદરા, હાજાનો કાકો ભના નેભા ઓડેદરા ઝુરીબાગના ભાજપના સુધરાઈ સભ્ય ભીમા ઓડેદરા, તેનો પુત્ર નીલેશ ભીમા ઓડેદરા, રામ સુખદેણવાળો સહિતના શખસો તલવાર ધોકા અને રિવોલ્વર પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. અને બંને જૂથ વચ્ચે સશ્ત્ર ધિંગાણુ ખેલાયું હતું. જેમાં વનરાજ પરબત કેશવાલા, તેનો ભાઈ રાજ કેશવાલા, કલ્પેશ કાનજી ભૂતીયાને ગંભીર ઈજા થવાતી તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે રાજ કેશવાલા અને કલ્પેશ ભુતીયાને મૃત જાહેર કરતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો. ફાયરિંગમાં વનરાજને ડાબા પડખામાં ગોળી ઘૂસી ગઈ હતી અને આંખ-માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણ પકડાયાઃ રિવોલ્વર કબ્જે
પોરબંદરમાં વિરભાનુ ખાંભી પાસે રાત્રીના ચૂંટણીના ડખ્ખામાં સામસામી કાર અથડાવીને ખેલાયેલા ધીંગાણા અને ફાયરીંગ પ્રકરણમાં બે યુવાનોની લોથ ઢાળી દેવામાં આવી હતી. આ ડબલ મર્ડરમાં પોલીસે નિવૃત્ત આર્મીમેન અરભમ ઓેડેદરા સહિત ત્રણ શખસને ઝડપી લીધા હતા. પોલીસની આકરી પૂછતાછ અને તપાસમાં અરભમ ઓડેદરા પાસે પરવાનાવાળું હથિયાર હોવાનું ખૂલ્યું હતું.
