આણંદઃ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો ૧૧મો પદવીદાન સમારંભ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ૧૨જાન્યુઆરીના રોજ ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસમાં યોજાયો હતો. જેમાં કુલ ૨૨૭૧ વિદ્યાર્થીઓને પદવીઓ ઉપરાંત ૩૪ વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાયદા અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન, તજજ્ઞ, ઇન્ટરનેશનલ લો કમિશન, યુએનમાં ચૂંટાયેલા સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલ પટેલે દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. ડો. બિમલ પટેલે પોતાના સંબોધનમાં ઉદ્યોગ સાહસિકતા, સમાજસેવા, પરિશ્રમ, કૃતજ્ઞતા, નીતિમતા , અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી પર વિશેષ ભાર મુક્યો હતો. તેઓએ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે સખત મહેનત, પ્રતિબદ્ધતા, અનુકૂલનક્ષમતા, મૂલ્યો અને નીતિમતાના ગુણો વિકસાવી આગળ વધવા પ્રેરિત કાર્ય હતા.
તેમણે કહ્યું કે દેશના વધુને વધુ યુવાઓ ઉદ્યોગ સાહસિકતા તરફ વળે અને નવી તકોનું નિર્માણ કરે. ચારૂસેટ દ્વારા સુવર્ણજડિત ચંદ્રક આપવાની પરંપરા રહી છે. ત્યારે પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રક આપવામાં આવ્યા હતા.
ડો. બિમલ પટેલ ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય છે
મુખ્ય અતિથિ ડો. બિમલ પટેલ ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય અને ચરોતરના પનોતા પુત્ર છે. તેઓ પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી અને વહીવટકર્તા છે અને તેમની ત્રણ દાયકાથી વધુની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન, તેમણે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં નિયામક અને ભારતના ૨૧મા કાયદા પંચના સભ્ય જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી સેવા આપી છે.
તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ૧ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશનમાં સભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે હેગ, નેધરલેન્ડમાં યુનાઈટેડ નેશન્સ ઓફ યુથ અને ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં ૧૫ વર્ષ સુધી કામ કર્યું છે.
ડો. દેવાંગ જોશીની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઇ
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં મુખ્ય અતિથિ ડો.બિમલ પટેલ, ચારૂસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નીંગ બોડી, મેનેજમેન્ટના સભ્યો વિવિધ વિદ્યાશાખાઓનાં તેજસ્વી સુવર્ણ ચંદ્રકધારકો/પી.એચ.ડી ધારકો જોડાયા હતા.

