રાજકોટની લાડકી દીકરી ‘અંબા’ હવે ઈટાલિયન નાગરિક બનશે

પૂ્ર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં અંબાને દત્તક આપવાનો કાર્યક્રમ સાદગીથી યોજાયો

Tuesday 18th January 2022 11:58 EST
 
 

રાજકોટ: રાજકોટ નજીક મહિકા પાસે આશરે બે વર્ષ પહેલા જન્મતાની સાથે જ એક બાળાને તરછોડી દેવામાં આવી હતી તેને વીસેક જેટલા તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકવામાં આવતા લોહી લુહાણ હાલતમાં તે પોલીસને મળી આવી ત્યારે તે જીવશે કે નહિ તે એક સવાલ હતો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? આ દિકરીએ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં મોત સામે ત્રણેક મહિના જંગ ખેલ્યો હતો. બાદમાં બાલાશ્રમમાં ઉછરી હતી. આજે દીકરી અંબા ને ઈટાલીયન દંપતીને દતક આપવામાં આવ્યું ત્યારે ઉપિસ્થત લોકોની આંખમાં હર્ષનાં અશ્રુ છલકાયા હતા.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ આ દિકરીની શરૂઆતથી જ કાળજી પૂર્વક સંભાળ રાખી હતી. આ દિકરીનું નામ અંબા રાખવામાં આવ્યું હતું. છેલ્લા દોઢેક વર્ષથી તે રાજકોટનાં કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉછરી રહી હતી. ચારેક મહિના પહેલા આ દીકરીને દતક આપવા માટેની પ્રક્રિયા ભારત સરકારની કારા એજન્સી મારફત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન લાંબી પ્રક્રિયા બાદ ઈટલીનાં ગુથર અને કેટરીનને અંબાને દતક આપવાનો નિર્ણય લેવાયો હતો. ઈટલીમાં ગુથર કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરી રહ્યા છે અને તેમનાં પત્ની કેટરીન નર્સ તરીકે સેવા આપે છે. અગાઉ આ દંપતીએ છતીસગઢથી તેજરામ નામનાં ચાર વર્ષનાં બાળકને દતક લીધું હતું. હવે બીજુ બાળક રાજકોટથી દતક લીધું છે. રાજકોટ બાલાશ્રમમમાં આ દીકરી અંબાનો દતક આપવાનો સાદગી ભર્યો કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયો હતો.


comments powered by Disqus