રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રૂ. ૧૦૦ કરોડ ફાળવાશે

Tuesday 18th January 2022 15:11 EST
 

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના ૧૨૧ દિવસ પૂર્ણ થવાના પ્રસંગે સરકારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. હાલ રાજ્યમાં બે લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
ભૂપેન્દ્ર પટેલે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક ઘરને નળથી પાણી પહોંચાડવા નલ સે જલ યોજના અમલમાં મૂકી છે તે હેઠળ ગુજરાતના તમામ ઘરોને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં આવરી લેવામાં આવશે. રાજ્યના વધુ ૬ જિલ્લાને ૩૧ મી જાન્યુઆરી સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ જાહેર કરી કુલ ૧૩ જિલ્લા આ યોજના હેઠળ સંપૂર્ણ જાહેર કરાશે.


comments powered by Disqus