વલસાડ નજીક અતુલમાં અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસને ઉથલાવી પાડવાનું કાવતરું

Tuesday 18th January 2022 12:12 EST
 

વલસાડ: ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિની સાંજે ૬-૪૭થી ૭-૧૦ દરમિયાન અગસ્તક્રાંતિ એક્સપ્રેસનને ઉથલાવવા માટે કોઈ ટીખળખોર, અસામાજિક તત્વો દ્વારા અતુલના રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકી દીધો હતો. પૂરપાટ આવતી ટ્રેન આ થાંભલા સાથે અથડાઈ પણ હતી, પણ થાંભલો હલકો હોવાથી દૂર ફેંકાઈ જવાથી ટ્રેનને કોઈ વાંધો આવ્યો ન હતો. આ થાંભલો વજનદાર હોત તો મોટી દુર્ઘટના થવાની પુરી શક્યતા હતી. જોકે, આ ઘટના બાદ ટ્રેનનો ડ્રાઈવર ચોંકી ગયો હતો અને ટ્રેન રોકી તરત રેલવે કંટ્રોલ, આરપીએફ અને વલસાડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે રેલવેના અધિકારીઓ, આરપીએફ અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટના બાદ ટ્રેક પર જરૂરી તપાસ કર્યા પછી ટ્રેનને આગળ રવાના કરાઈ હતી. જોકે, તે પછીની કેટલીક ટ્રેન થોડો સમય અટકાવાઈ દેવાઈ હતી. આખા ટ્રેક પર બીજે ક્યાંય આવું નથી અને કોઈ અડચણ ન હોવાથી ખાત્રી કર્યા બાદ અન્ય ટ્રેનો માટે ટ્રેક ખુલ્લો મુકાયો હતો. 


comments powered by Disqus