સીએમ હાઉસમાં મંત્રીઓને ભેગા કરીને પાટિલે કહ્યુંઃ હવે સાત મહિના છે, પરફોર્મન્સ બતાવો

Tuesday 18th January 2022 15:16 EST
 
 

ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપમાંથી યોગી સરકારના કેબિનેટ મંત્રીઓથી પહેલી ટર્મના ધારાસભ્યો રાજીનામા આપીને ચાલતી પકડી રહ્યા છે. છેલ્લા ૭૨ કલાકમાં અચાનક જ સર્જાઈ રહેલા આ ઘટનાક્રમ વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરાકરના મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવાયા હતા. જ્યા મુખ્યમંત્રીની હાજરીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામને હવે ૭ જ મહિના છે, પરફોર્મન્સ બતાવવા આદેશ કર્યાનું જાણવા મળ્યું છે.
સામાન્યતઃ કેબિનેટની બેઠકના ત્રણ-ચાર કલાકો બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને સરકારના તમામ મંત્રીઓ એકત્ર થતા હોતા નથી. પરંતુ, અસામાન્ય સંજોગોમાં સીએમઓમાંથી એક પછી એક એમ રાજ્યકક્ષાના મંત્રીઓ સહિત તમામને મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચવા કહેવાયં હતું. સીએમ હાઉસમાં સાંજે પાંચ વાગ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક કલાક બેઠક મળી હતી. સત્તાવારપણે બંધબારણે મળેલી બેઠકમાં શું થયું તે જાણી શકાયું નથી. પરંતુ ૧૪મી ગુજરાત વિધાનસભાની મુદ્દત પૂર્ણ થવાને આડે માંડે ૧૧ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે.
નવી સરકારની રચનાને ચાર મહિના પૂર્ણ થઈ રહ્યા છે ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજશે તો ઓક્ટોબર ૨૦૨૨થી સરકારી વહીવટી તંત્ર આચારસંહિતા હેઠળ આવશે. આથી, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે ચૂંટણીમાં ઉતરતા પહેલા નવી સરકારના મંત્રીઓને પરફોર્મન્સ બતાવવા સુચના આપ્યાનું કહેવાય છે.


comments powered by Disqus