સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે કૈલાશનગર સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય હીરા દલાલ ભાવેશભાઈ ગાબાણીને સન ૨૦૧૯માં આઇસીઆઇ બેન્કનાં નામે ફોન કરી બેન્કમાં લાગતા ચાર્જિસ અંગે વાત કરી હતી. જેથી ભાવેશભાઈએ ખાતુ બંધ કરવા માટે કહેતા થોડા દિવસ બાદ તેમના ઘરે આઇસીઆઇસીઆઇ બેન્કના કર્મચારીની ઓળખ ધારણ કરીને આવેલા અનીશ નામના વ્યક્તિએ પાનકાર્ડ, આધારકાર્ડ અને લાઇટબિલની ઝેરોક્ષ લઈ ગયો હતો. ત્યારબાદ અનિશે ભાવેશભાઈનાં નામે બોગસ ઇ મેઇલ આઇડી, નો ઓબ્જેકશન સર્ટીફિકેટ બોગસ બનાવ્યા હતા. ભેજાબાજોએ ભાવેશનાં નામે બનાવેલી બોગસ કંપની પૈકી ગાબાણી એન્ટરપ્રાઇઝમાં કુલ ૨૦ કરોડનું ટ્રાન્જેક્શન કર્યું હતું. બીજી તરફ ભાવેશભાઈને ખ્યાલ ન હતો તે તેના પાનકાર્ડના આધારે જીએસટી નંબર મેળવી બોગસ કંપનીઓ શરૂ કરી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન થોડા દિવસ પહેલા ભાવેશભાઈ આઇટી રિટર્ન ભરવા માટે સી.એની ઓફિસ ગયા હતા. ત્યારે સીએ એ તેને જીએસટી નંબર મગાવાની સાથે ખાતામાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવતા ચોકી ઉઠયા હતા. બનાવ અંગે ભાવેશભાઈએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
