ગાંધીનગરઃ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોને જોડતા ૧૩૫ કિ.મી.ના કોસ્ટલ હાઈવેને વિક્સાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો ૨૧૮ કિ.મી.નો કોરિડોર, સાપુતારા, માંડવી અને કરજણનો કોરિડોર તેમજ ખંભાતથી ભાવનગરના ટ્રાફિકથી ૮૦ કિ.મી. લીંક બનાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીએ કહ્યું હતું કે દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ વિક્સે તે હેતુથી ૨૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવેનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. ખંભાત-ભાવનગરનો લિંકિંગ હાઈવે બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટશે.
