3 દિવસથી બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારો નક્કી થશે, બે તબક્કામાં જાહેરાત કરાશે

Tuesday 18th October 2022 16:42 EDT
 
 

ગાંધીનગર: રાજ્ય વિધાનસભાની ચૂંટણી આગામી 10 દિવસમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની યાદી તૈયાર કરી નાખી છે. આ યાદી પ્રમાણે ઉમેદવારોના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક 19 થી 21 ઓકટોબર દરમિયાન દિલ્હી ખાતે મળશે. આ બેઠકમાં કોંગ્રેસના 182 ઉમેદવારોની યાદી તૈયાર થશે અને તે દિવાળી પછી જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએથી બેઠક પ્રમાણે દાવેદારોની યાદી તૈયાર કરી પ્રદેશ કક્ષાએ સ્ક્રૂટિની કરવામાં આવી હતી. કોંગ્રેસ તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની છે,તેમ છતાં ઉંમરને કારણે જે ધારાસભ્યો ચૂંટણી લડવા માગતા નથી તેવા ધારાસભ્યોની જગ્યાએ તેમના વારસ કે પછી તેઓ જે વ્યકિતને કહે તે દાવેદારને ટીકીટ આપે તેવી શકયતા છે.

આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માને પૂછતા તેમણે કહ્યું હતું કે, યાદી બે તબક્કામાં જાહેર થશે. પ્રથમ યાદીમાં જે નામ અત્યારે નક્કી જ છે ઉપરાંત જે નામ પ્રદેશ કક્ષાએ સહમતીથી નક્કી થઇ ગયા છે તે પહેલા જાહેર કરાશે.


comments powered by Disqus