BSF જવાનોએ 900કિં.મીના હરામીનાળા ખૂંદી ૨ માછીમારને પકડ્યા, 15 ભાગી ગયાની આશંકા

Tuesday 18th October 2022 16:43 EDT
 
 

ભુજઃ કચ્છની સંવેદનશીલ દરિયાઈ સરહદ હરામીનાળામાં ડ્રોનસરવેના આધારે બીએસએફએ કાર્યવાહી કરીને 2 પાકિસ્તાની માછીમારોને પકડી લીધા. તેમજ તેમની સાથે કેટલીક પાકિસ્તાની માછીમારી બોટો પણ જપ્ત કરી લીધી. જોકે બોટની સંખ્યા હજી સર્ચ શરૂ હોવાથી જાહેર કરવામાં આવી નથી. જાણવા મળતી માહિતી પ્રમાણે,સોમવારે સવારે 11.40 કલાકે એરફોર્સ નલિયા દ્વારા યુએવીની મદદથી સરહદી વિસ્તારની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવી રહી હતી ત્યારે હરામીનાળા વિસ્તારમાં કેટલાક પાકિસ્તાની માછીમારો સાથે છ માછીમારોની બોટ જોવા મળી હતી જેથી તપાસ અધિકારી ચોકી ગયા હતા અને તાત્કાલિક ભુજ બીએસએફને જાણ કરવા સાથે દરેક પરિસ્થિતિ પર નજર રાખવાનું શરૂ કરી દેવાયું હતું.બનાવની જાણ થતા બીએસએફના જવાનો પણ સર્ચ માટે નીકળી ગયા હતા.

900 કિલોમીટરમાં ફેલાયેલા વિશાળ હરામીનાળા વિસ્તારમાં દલદલીક્રિક વચ્ચે પણ વિશેષ અભિયાન તળે શરૂ કરવામાં આવેલા તલાશી અભિયાનમાં મંગળવારે બપોરે બે પાકિસ્તાની માછીમારો પકડાયા હતા.ઝડપાયેલા ઈસમો પાકિસ્તાનના ઝીરો પોઈન્ટના 35 વર્ષિય યાસીન શેખો અને 25 વર્ષિય મોહમ્મદ શેખ હોવાનું બીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે,6 પાકિસ્તાની ફિશિંગ બોટ ભારતીય સીમામા માછીમરી માટે આવી હતી.

એક બોટમાં ત્રણ ફિશરમેન હોય છે તે જોતા કુલ 18 માણસો પાકિસ્તાનથી આવ્યા હોવાનું માનવામાં આવે છે અને માત્ર 2 જ જણા પકડાયા છે ત્યારે બાકીના ઈસમો પાકિસ્તાન ભાગી ગયા હોવાનું અથવા તો દલદલીક્રિકમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જેઓનું સર્ચ હાલમાં કરવામાં આવી રહ્યું છે 6 થી 7 જેટલી પાકિસ્તાની બોટ રિકવર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


comments powered by Disqus