ગાંધીનગર: દેશની સુરક્ષાને લગતાં ઉપકરણોના મોટા પ્રદર્શન ડિફેન્સ એક્સપો 2022ની શરૂઆત ગાંધીનગરમાં થવા જઇ રહી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે આ એક્સપોમાં પહેલીવાર ફક્ત સ્વદેશી કંપનીઓ ભાગ લેશે. આ એક્સપોમાં એ જ વિદેશી કંપનીઓ ભાગ લેશે, જેમનું દેશની મોટી ડિફેન્સ કંપનીઓ સાથે જોઇન્ટ વેન્ચર છે.
આ અભિયાન હેઠળ જ ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ કાફલા માટે રૂ. 22 હજાર કરોડના ખર્ચે એરબસ પાસેથી 56સી-295 એમડબ્લ્યુ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી થઇ રહી છે. જોકે, આ વિમાનોની પ્રોડક્શન લાઇન ગુજરાતના ધોલેરા સ્થિત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સ્થાપિત કરાશે. એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ તરફથી એક્સપો દરમિયાન તેની જાહેરાત કરવાની પણ તૈયારી થઇ ચૂકી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા અહીં પ્લાન્ટ સ્થાપિત કરાવવાનો નિર્ણય માસ્ટર સ્ટ્રોક મનાઇ રહ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પછી દેશમાં ખાનગી ક્ષેત્રે પહેલીવાર એરો સ્પેસ કોમ્પ્લેક્સ ધોલેરામાં સ્થાપિત થશે.
ધોલેરામાં કોમ્પ્લેક્સ સ્થાપિત કરવાનાં કારણ
આ બંને કંપનીઓની ડીલ પછી કેન્દ્ર સરકારે ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી હતી. ગુજરાત સરકારે ત્રણ સ્થળે જમીન નક્કી કરી. ત્યાર પછી સરકાર સીધી જ ધોલેરાના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં પ્લાન્ટ માટે જમીન નક્કી કરાઈ. ધોલેરાની પસંદગીનું કારણ આ છે. તેમાં સૌથી પહેલું કારણ એ છે કે, તે દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર પાસે છે. ત્યાં જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં બંદર હોવાના કારણે સપ્લાય લાઇન પણ સરળ રહેશે. આ પ્લાન્ટને પગલે આગામી દસ વર્ષમાં 25 હજારથી વધુ રોજગારીનું પણ સર્જન થશે. તેમાં દસ હજાર સ્કિલ્ડ વર્કર પણ સામેલ છે. આ ડીલ પછી ભવિષ્યમાં ખાનગી ક્ષેત્રે મોટી વૈશ્વિક કંપનીઓ પણ ભારતીય કંપનીઓ સાથે પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા વધી જશે.

