કલોલનો એક યુવાન બોગસ ડોક્યુમેન્ટથી કેનેડાથી અમેરિકામાં પ્રવેશ્યો હોવાનું ખૂલ્યું

Tuesday 18th October 2022 16:49 EDT
 

ગાંધીનગરઃ તાજેતરમાં ગેરકાયદે રીતે કેનેડાથી અમેરિકા જવા માટે બોર્ડર ક્રોસ કરતા ડિંગુચાના એક જ પરિવારના ચાર સદસ્યોના ઠંડીમાં થીજી જતા મોત નિપજ્યા હતા. આ પ્રકરણની તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. ડિંગુચાના પરિવારની સાથે અન્ય સાત લોકો પણ અમેરિકા જવા માટે નિકળ્યા હતા. જેમાં કલોલના હર્ષિલ ધોબીનો પણ સમાવેશ થાય છે. આ યુવાન અમેરિકાની બોર્ડર ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ અમેરિકામાં પ્રવેશતા જ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. અમેરિકન પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાને કેનેડાની કોલેજમાં એડમિશન લીધુ હતું. સીઆઇડી ક્રાઇમે આ નિવેદનની કોપી મેળવી તપાસ કરતા યુવાને એડમિશન માટે કેનેડાની જે કોલેજમાં ડોક્યુમેન્ટ રજુ કર્યા હતા તે પૈકી ધોરણ-10 અને ધોરણ-12ની માર્કશીટ બોગસ હોવાનું જણાયું હતું. આ મામલે સીઆઇડી ક્રાઇમે આ યુવાન અને તેને કેનેડાથી અમેરિકા મોકલનાર કલોલના જ ઓળા ગામના એજન્ટ સામે ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ પુર્વે કેનેડાથી અમેરિકા જવા માટે નિકળેલા કલોલના ડિંગુચા ગામના પરિવારના દંપતી અને બે બાળકો સહિત ચાર લોકોના બોર્ડર પર ઠંડીમાં થીજી જવાથી મોત નિપજ્યુ હતું.

હર્ષિલને અમેરિકા મોકલવા માટે એજન્ટ સાથે 65 લાખમાં સોદો થયો હતો

સીઆઇડી ક્રાઇમે આ મામલેહર્ષિલના પિતાનો પણ સંપર્ક સાંધ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ પોતાના પુત્રને અમેરિકા મોકલવા માટે ઓળાના પરેશ પટેલ સાથે રૂ. 65 લાખમાં સોદો નક્કી કર્યો હતો. જે પેટે તેઓએ પ્રારંભમાં 30 લાખ ચુકવી દીધા હતા. બાકીના પૈસા હર્ષિલ અમેરિકા પહોંચે ત્યારે આપવાનું નક્કી કર્યુ હતું. જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા બાદ હર્ષિલના વિઝા સહિતની તમામ કામગીરી એજન્ટ પરેશ પટેલે કરી આપી હોવાનું કહ્યું હતું.


comments powered by Disqus