ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રતનાકરઅને સીએમઓના મુખ્ય અગ્રસચિવ, કે.કૈલાશનાથન દિલ્હીથી પાછા આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ અચાનક આ ચારેય અને ગૃહમંત્રી અમિત શાહ અહીંથી દિલ્હી પહોંચ્યા હતા. વડાપ્રધાન નિવાસસ્થાને નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોવડીઓ સાથે પાંચ કલાકથી વધુ સમય બેઠક યોજી હતી. જેમાં અહીં ચૂંટણી જાહેર થાય તે પહેલા સરકાર તરફથી મહત્ત્વની બાબતોના નિર્ણયોની જાહેરાતો, બોર્ડ નિગમોમાં નિયુક્તિઓ ઉપરાંત ઉમેદવારોની પસંદગી સંદર્ભે પણ વિસ્તારથી ચર્ચા થયાનું જાણવા મળ્યું છે. મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પરત ફર્યા હતા. એરપોર્ટ પરથી સીધી જ તેઓ કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્લાયે પહોંચ્યા હતા. જ્યાં તેમમએ દેશના અન્ય રાજ્યોમાં તેમજ ભારત બહાર વસતા ગુજરાતીઓના વિવિધ સંગઠનોના હોદ્દોદારો, પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
ભાજપમાં ટિકિટ માટે એક જ નીતિ- જીતે તે ઉમેદવાર!
પીએમ હાઉસમાં ચાલેલી બેઠકમાં ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે ‘જીતે તે જ ઉમેદવાર’ એ સિદ્ધાંતે પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની નીતિ તૈયાર થયાનું કહેવાય છે. આ બેઠકમાં શું થયું તેની કોઈ જ વિગતો સત્તાવારપણે જાહેર થઈ નથી. પરંતુ તહેવારો વચ્ચે ચૂંટણી જાહેર થવાની સંભાવનાને પગલે હાઈકમાન્ડે બેઠક દીઠ ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષકોથી લઈને પાર્લામેન્ટરી બોર્ડનો શિડ્યુલ નક્કી કરવા સૂચના આપ્યાનું જાણવા મળ્યું છે વિધાનસભા ચૂંટણીમાં અનુભવી, સ્વચ્છ છબી, યુવાન અને એ ત્રણેય પાસામાં જીતનો આધાર કેન્દ્ર સ્થાને રાખીને ઉમેદવારોની પસંદગી થશે તેમ મનાય છે.

