નવીદિલ્હીઃ ભારત ખાતેનાં અમેરિકી દૂતાવાસે ભારતીયો માટે રોજગાર આધારિત H તેમજ L શ્રોણીનાં વિઝા ધારકો અને તેમનાં પરિવારનાં સભ્યો માટે 1 લાખથી વધુ અપોઇન્ટમેન્ટનું શિડયૂલ જારી કર્યું છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી અનેક વિઝા ધારકો અને તેમનાં પરિવાર માટે વિઝા રિન્યૂ કરાવવા સ્ટેમ્પિંગ કરાવવાનો બેકલોગ વધી ગયો હતો જેમાં ભારતીય વિઝાધારકો માટેનો વેઈટિંગ પિરિયડ વધીને 884 દિવસ જેટલો થઈ ગયો હતો. આને કારણે ભારતનાં અનેક પ્રોફેશનલ્સ તેમનાં પરિવાર સાથે ફરી અમેરિકા જવા અને જૉબ શરૂ કરવા મુશ્કેલી ભોગવી રહ્યા હતા. ભારતનાં વિદેશપ્રધાન એસ. જયશંકર દ્વારા અમેરિકાનાં વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કન સાથે વિઝામાં વિલંબનો મુદ્દો ઉઠાવાયો હતો. આ પછી ભારત ખાતેનું યુએસ મિશન હરકતમાં આવ્યું હતું.

