નવી દિલ્હીઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા સતત નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે સવારે શરૂ થયેલી પૂછપરછ સાંજ સુધી ચાલી હતી. જોકે, પૂછપરછ પૂર્ણ થયા બાદ મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે મારા પર આમ આદમી પાર્ટી છોડવા દબાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, મને દિલ્હીના મુખ્યમંત્રીના પદની પણ લાલચ અપાઈ હતી.
મનિષ સિસોદિયાએ સીબીઆઈની પૂછપરછ બાદ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે આપ છોડવા અને બદલામાં દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરાઈ હતી અને જો હું આ ઓફર ન સ્વીકારું તો મને જેલમાં ધકેલી દેવાની ધમકી પણ અપાઈ હતી. સાથે જ મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે મારી આટલા કલાક પૂછપરછ કર્યા બાદ પણ સીબીઆઈને કંઈ જ હાથ લાગ્યું નહીં કેમ કે આખો કેસ જ જુઠના આધારે તૈયાર કરાયો હતો.
મનિષ સિસોદિયાએ સાથે દાવો કર્યો હતો કે આ સમગ્ર મામલો એટલા માટે ચગાવવામાં આવ્યો કે જેથી દિલ્હીમાં ભાજપ પોતાના કાવતરામાં સફળ થાય અને ઓપરેશન લોટસ ચલાવવામાં આવે. ભાજપ દાવા કરી રહી છે કે 10 હજાર કરોડનું એક્સાઈઝ કૌભાંડ છે જ્યારે સીબીઆઈની પૂછપરછમાં આવું કંઈ જ સાબિત ન થઈ શક્યું. મારી સામે આ એક કાવતરું છે કેમ કે ભાજપ દિલ્હીમાં ગમે તેમ કરીને સત્તા મેળવવા માંગે છે.

