મોદીએ સાંસ્કૃતિક અને સમાજિક રીતે મોટા જન સમુદાયને જોડ્યો છે

Tuesday 18th October 2022 16:40 EDT
 
 

ગાંધીનગરઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે મહાત્મા ગાંધી બાદ સાંસ્કૃતિક અને સામાજિક પુનઃ જાગરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટા જનસમુદાયને જોડ્યો છે. તેઓ વર્તમાન જ નહીં પણ આવનારા વર્ષોમાં ભારતની દિશા બદલવા કાર્યરત છે. તેમના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ લિડરની ભૂમિકામાં છે. ભાષા અને ક્ષેત્રીય વાડામાંથી બહાર આવીને આજે સાચા અર્થમાં ભારત એક બન્યું છે.

‘મોદી@20ઃ ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20ઃ સપના થયા સાકાર’નું ગાંધીનગર ખાતે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે કેન્દ્રિય માહિતી-પ્રસારણ રાજ્ય મંત્રી ડો. એલ. મુરુગનની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું. પુસ્તક વિશે પોતાના પ્રતિભાવ આપતા રાજનાથે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાનની સાથોસાથ ભારતીય સંસ્કૃતિના પુનરોદ્રારક-સમાજ સુધારકના રૂપમાં ઊભરી આવ્યા છે. તેમના કાર્યકાળમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ, કાશી વિશ્વનાથ તેમજ મહાકાલ લોક કોરીડોરનું નિર્માણ તેના ઉત્તમ ઉદાહરણ છે.

આ પુસ્તક થકી મોદીના કાર્યો રાષ્ટ્રને અર્પણ કરવાનું એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આ પ્રકારના દેશ સેવાના કાર્યો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ જેના મનમાં સાચો ભાવ હોય તે જ કરી શકે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વૈશ્વિક મંદીમાં પણ તાજેતરમાં આઈએમએફએ ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વ માટે આશાનું કિરણ ગણાવી છે એટલે કે મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ મજબૂત રીતે આગળ વધી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે વર્તમાનમાં મોદીજીના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ લીડરની ભૂમિકા ભજવી રહ્યું છે. કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં ભારતે 100 જેટલા દેશોને વેક્સિનની મદદ પહોંચાડીને લોક કલ્યાણનું ભગીરથ કાર્ય કર્યું છે જે ભારતની પાડોશી દેશો સાથેની મિત્રતા-વિદેશ નીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


comments powered by Disqus