અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના 358 ડેલિગેટોએ મતદાન કર્યું હતું. જ્યારે 6 ડેલિગેટોએ ગુજરાત બહાર મતદાન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે રીતે મતદાન થયું તે રીતે ગુજરાત કોંગ્રેસના મોટાભાગના ડેલિગેટો મલ્લિકાર્જુન ખડગે પ્રત્યે વધુ ઝોંક દાખવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 24 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 1998માં રાષ્ટ્રીય પ્રમુખપદ માટેની ચૂંટણી સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ડેલિગેટોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો. સવારે 10 વાગ્યાથી મતદાન પ્રારંભ થયો હતો.
ગુજરાતમાં કુલ 408 ડેલિગેટો પૈકી પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 358 ડેલિગેટોએ મતદાન કર્યું હતું જ્યારે અન્ય છ ડેલિગેટોએ ગુજરાત બહાર મતદાનમાં ભાગ લીધો હતો. ચાર વાગ્યે મતદાન પૂર્ણ થતાં મતપેટીઓ સીલ કરાઈ હતી.

