ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેક્ટર-19 સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત સાથે જ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો હતો. અહીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી વીડિયો કોફરન્સ દ્વારા તેમણે સરકારી શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે લગભગ અડધો કલાક સંવાદ રચ્યો હતો. અહીંથી ઓપરેટ થતા ઈ-દીક્ષા, જી-સ્કૂલ પોર્ટલના અનુભવો સાથેની વાતચીતમાં તેમણે જે રીતે ટેકનોલોજી મારફતે શિક્ષણ ક્ષેત્રે અસરકારક પ્રયોગો થઈ રહ્યા છે તે રીતે PM પોષણ અભિયાનને પણ જોડીને ગુજરાતની આવતીકાલને કુપોષણ મુક્ત- તંદુરસ્ત કરવા સૂચન કર્યું હતું.
નવી શિક્ષા નીતિમાં ફિઝિકલ એજ્યુકેશનનો ઉલ્લેખ કરતા તેના ઉપર ભાર મુકવા પણ તેમણે શિક્ષકોને સૂચવ્યું હતું. એટલુ જ નહીં, વડાપ્રધાન મોદીએ શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોને તાલુકા સ્તરે શાળા- શાળા વચ્ચે ગણિત, ગુજરાતી ભાષા અને ઈતિહાસ જેવા વિષયો ઉપર સ્પર્ધા યોજીને વિદ્યાર્થીઓને અપગ્રેડ કરવા પણ કહ્યુ હતું. તેમણે બધી જ બાબતોમાં ઓનલાઈન પર નિર્ભર ન થતા સમૂહજીવન જેવા અભિગમ સાથે પણ સંતુલન બનાવવા સૂચન કરતા માત્ર ઓનલાઈન ગોળ ખાવાથી ખબર નહિ પડે કે તે કેટલો ગળ્યો છે તેવુ ઉદાહરણ પણ આપ્યું હતું. વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બંને શિક્ષણમંત્રી અને સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડામાં ચાર્ટ ભર્યો તો મને મશીને પૂછયું – તમે પંખી છો
ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ સાથે PM પોષણ અભિયાનને આગળ વધારવા, તેને સફળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પૂર્વે કેનેડાના પ્રવાસનો અનુભવ રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું કે, કેનેડામાં હું મ્યુઝિયમ જોવા ગયો ત્યારે ત્યાં મોટા કિયોસ્ક ઉપર તમે શું આહાર લો છો તે લખ્યું હતું. ત્યાં તો સૌ નોનવેજ ખાય એટલે તે જ વસ્તુના નામો સૌથી વધુ ચાર્ટમાં હતા. તેમા વેજિટેરિયન વસ્તુઓ ઓછી હતી. મારા શાકાહારી ભોજનને કારણે મેં ચાર્ટ ભર્યો ત્યારે સામે મશીનમાંથી જવાબ મળ્યો કે ‘શું તમે પંખી છો’ ઉદાહરણ દ્વારા મોદીએ પોષણ અભિયાનને સફળ બનાવવા વિદ્યાર્થીઓએ આજે શું ખાધું અને તેનાથી કેટલી કેલેરી મળી તેની સમજણ આપતો ચાર્ટ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવા સૂચન કર્યું હતું.
બનાસડેરીમાં અત્યાધુનિક ડેરીપ્લાન્ટનું લોકાર્પણ
દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના બીજા અત્યાધુનિક ડેરી પ્લાન્ટનુ લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું આ સમારોહમાં હજારોની સંખ્યમાં જનમેદની ઉમટી હતી. બહેનોએ પ્રધાનમંત્રીના ઓવારણા લઈ આશીર્વાદ આપ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રધાનમંત્રી પોતે એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મારા જીવન પહેલીવાર એવું બન્યું છે કે, એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનોએ આજે અમને સૌને આર્શીવાદ આપી રહ્યાં છે.
વડાપ્રધાનનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમ બાદ રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનું રાત્રિ રોકાણ રાજભવન ખાતે કર્યું હતું.

