વલ્લભ વિદ્યાનગર: શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ - માતૃસંસ્થા દ્વારા સાકાર થનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક કોમ્પ્લેક્સ ‘ઉત્કર્ષ’નું વિખ્યાત ક્રાંતિકારી સંત પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી આશ્રમ)ના હસ્તે શનિવારે ભૂમિપૂજન કરાયું હતું. આ 6 માળનો વર્લ્ડ ક્લાસ મેગા પ્રોજેક્ટ 18 માસમાં રૂ. 25 કરોડના ખર્ચે સાકાર થશે.
આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યુ હતું કે કેટલાક લોકો મોટા કાર્યો કરવા જન્મ્યા છે. તેઓ જ્યાં હોય ત્યાં મોટા જ કામો કરશે. બધા લોકોની આવી તાકાત હોતી નથી. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજને વર્ષોથી હું જાણું છું. આ સમાજના હોદ્દેદારો-આગેવાનોમાં આવી તાકાત છે. પ્રારંભમાં ખાલી ઝોળીએ સમાજયાત્રા શરૂઆત કરનાર આ સમાજ પાસે દેશવિદેશથી માતબર દાન પ્રાપ્ત થવા લાગ્યું તેનું કારણ આ સમાજના હોદ્દેદારો-આગેવાનોનું વ્યક્તિત્વ, વિશ્વસનિયતા, પ્રામાણિક્તા અને પારદર્શી વહીવટ છે. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજને આગેવાનો મળ્યા છે તે અહોભાગ્ય છે.
‘સમાજમાંથી સાચા હનુમાનને આગળ લાવો’
સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે કહ્યું કે આપણે રામનવમી અને હનુમાન જયંતી તહેવારોની ઉજવણી કરી તેમાંથી શીખવાનું છે કે ભગવાન રામે 14 વર્ષ વનવાસ છતાં મોટા કામો કર્યા અને તેમની સામે કોઈ આંગળી પણ ન ચીંધી શક્યું. જે લોકોને વ્યસનની સાથે જુગાર અને વ્યભિચાર જેવા દૂષણો હોય તે બરબાદ થઈ જાય છે. વ્યસનથી બચવા ધાર્મિક વૃત્તિ કવચ છે, જે તમારું અને પરિવારનું રક્ષણ કરે છે. રામ વનમાં કવચ સાથે ગયા હતા. હનુમાને રામાયણમાં મહત્ત્વના કાર્યો કર્યા, પણ રામ માટે સમર્પિત જીવન જીવ્યા. સમાજમાં એવા શક્તિશાળી હનુમાનો પેદા થવા જોઈએ. રામના મંદિરો નથી તેટલા હનુમાનજીના મંદિરો થયા છે. હનુમાનજી સાથે હતા તો દુશ્મનની તાકાત નહોતી કે ભગવાન રામની સામે જોઇ શકે. હનુમાન પછી સરદાર પટેલ થયા જેમણે 600 રજવાડાને ભેગા કરવાનું ઉમદા કામ કર્યું. સમાજમાં સાચા હનુમાન હોય તેમને આગળ લાવશો. જમીનદાતા - કરોડોના દાતાઓ - કાર્યકરોને વંદન કરવા જોઈએ તેમનાથી સમાજ ઉજળો છે. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે આ પ્રોજેકટ માટે રૂ. 11 લાખનું સંકલ્પ દાન જાહેર કર્યું હતું. આ અગાઉ સન 2000માં ચાંગા કેમ્પસના ભૂમિપૂજન વખતે પણ તેમણે રૂ. એક લાખનું દાન ખાલી ઝોળીમાં આપ્યું હતું.
દાતાઓ-અગ્રણીઓની ઉપસ્થિતિ
માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણી દાતા સર્વશ્રી મનુભાઈ પી. ડી. પટેલ (એમિરેટ્સ ટ્રાન્સફોર્મર્સ એન્ડ સ્વિચગિયર લી.-દુબઈ), જમીન દાતા પરિવારના વીપેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ (સમાજ છાત્રાલય), ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન વિપુલ પટેલ, માતૃસંસ્થા - કેળવણી મંડળ અને CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ, CHRFના ઉપપ્રમુખ - કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ - CHRFના ખજાનચી કિરણભાઈ પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થા - CHRFના સહમંત્રી ધીરુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી ગિરીશભાઈ બી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન વી. એમ. પટેલ અને મેમ્બર મહેશભાઈ પટેલ, જશભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી વિપુલ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, ચારુતર વિદ્યા મંડળના મંત્રી ડો. એસ. જી. પટેલ, ચારુસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ‘સમાજગોષ્ઠિ’ ના તંત્રી શરદ પટેલ, તેજસ પટેલ, ચંદ્રકાંત એક્ટર, મહેશભાઇ પટેલ (વલાસણ), યશવંતભાઈ પટેલ, કાંતિમામા, ભાનુભાઇ પટેલ, ભારતીબેન પટેલ, પલ્લવીબેન પટેલ, પરેશ દવે, ડો. ઉમાબેન પટેલ, માતૃસંસ્થા – કેળવણી મંડળ - ચારુસેટ - CHRFના પદાધિકારીઓ, હોદેદારો, કારોબારી સભ્યો, ચારુસેટના વિવિધ પ્રિન્સિપાલો, પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ નગીનભાઈ પટેલના હસ્તે સ્વામી પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
‘સમાજયાત્રા આગળ ધપાવવા દાતાઓનો સહયોગ જરૂરી’
નગીનભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ ત્યારે જ વિકાસ કરે છે જ્યારે સમાજના આગેવાનો અને કાર્યકરો સારા, પ્રમાણિક અને વિશ્વાસુ હોય. 1895માં સ્થપાયેલા સમાજે સમાજયાત્રા શરૂ કરી ને 1965માં આ છાત્રાલય શરૂ કર્યું. માતૃસંસ્થાનું આ મધ્યસ્થ કાર્યાલય છે ને સમયની માગને ધ્યાનમાં રાખતા જ્યાંથી આગળ આવ્યા ત્યાં આ નવો પ્રોજેકટ હાથમાં લીધો છે ત્યારે બધા દાતાઓ આર્થિક સહકાર આપશે અને સમાજયાત્રા આગળ વધશે તેવી અપેક્ષા અસ્થાને નથી.
‘ઉત્કર્ષ’ પ્રોજેક્ટ સમયની માગ
માતૃસંસ્થાના ઉપપ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન વી. એમ. પટેલે પ્રોજેકટ અંગે જણાવ્યુ હતું કે સન 1965માં વલ્લભ વિદ્યાનગરમાં સ્વ. દાદાભાઈ નારણભાઇ પટેલ પરિવાર (આણંદ) દ્વારા દાનમાં અપાયેલી 23 ગૂંઠા જમીન પર સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળે તે માટે કુલ 40 રૂમના શ્રી છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયનું નિર્માણ થયું હતું. હવે સમયની માગ મુજબ ‘ઉત્કર્ષ’ના નિર્માણનો મેગા પ્રોજેકટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે. મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સમાં માતૃસંસ્થાનું હેડ ક્વાર્ટર, હોસ્ટેલ, હોસ્પિટલ, ફિઝીયોથેરપી સેન્ટર, ટીચિંગ એન્ડ લર્નિંગ ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે સુવિધા ઊભી કરાશે. આ ઉપરાંત એરકંડિશન રૂમો, હોલ, ડાઈનિંગ હોલ, કિચન, કોમ્પ્યુટર રૂમ, ઈન્ડોર ગેમ્સની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધા ઉપલબ્ધ થશે.
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન શ્રી વિપુલ પટેલે જણાવ્યુ હતું કે સમાજના વંચિતોની વેદના સમજવાનું કાર્ય સમાજના વડીલોએ કર્યું છે અને આ સુવિધા ઊભી કરી રહ્યા છે તે બદલ અભિનંદન આપું છું. આર્થિક સહયોગ માટે KDCC બેન્કના દ્વાર સમાજ માટે હંમેશા ખુલ્લા રહેશે. ડો. મોહનભાઇ આઈ. પટેલ (પૂર્વ શેરીફ-મુંબઈ)એ ઓનલાઈન પ્રવચન કરતાં આ ભગીરથ કાર્ય સુપેરે ઝડપથી પૂર્ણ થાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

