ગાંધીનગરઃ સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આગામી જુલાઇ મહિનામાં ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે કાર્યરત થઇ જશે તેવી માહિતી સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત દરમિયાન આપી હતી.
આ બેઠકમાં સિંગાપોરનું ડેલિગેશન પણ જોડાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સિંગાપોરમાં જમીનની અછતને કારણે એમએસએમઇ એકમો પોતાની નવી ફેસેલિટીઝ માટે અન્ય દેશો તરફ વળ્યા છે. આવા એકમો ગુજરાતમાં પ્રોડક્શન શરૂ કરે તો તેમને ગ્લોબલ માર્કેટમાં સપ્લાય માટે મદદ મળી શકશે અને ભારતના વિશાળ બજારનો પણ લાભ મળશે. ગુજરાતમાં એમએસએમઇ અને અન્ય બિઝનેસ ડેવલપમેન્ટ માટે કોલોબરેશનની સાનુકૂળ તકો છે.
ગિફ્ટસિટીમાં સિંગાપોરની ફિનટેક કંપનીઓ પણ આવે તે અંગે ચર્ચા થઇ હતી. સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, ટાઉનશિપ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ફેસેલિટી ડેવલપમેન્ટમાં સિંગાપોરની કંપનીઓ રોકાણ કરે તે મુદ્દે પરામર્શ થયો હતો. ગિફ્ટ સિટીમાં દેશ ઉપરાંત વિદેશના મહત્ત્વના પ્રોજેક્ટોને શરૂ કરાવવાનો સરકારનો ઇરાદો છે. અહીં આ હેતુને ધ્યાનમાં રાખી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે.
