117 વીઘામાં રામાયણની થીમ પર રાજકોટમાં આકાર લઇ રહ્યું છે રામ વન

Tuesday 19th July 2022 11:46 EDT
 
 

રાજકોટઃ ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં અર્બન ફોરેસ્ટમાં 47 એકર એટલે કે 117 વીઘાની જગ્યામાં રામ વન આકાર લઇ રહ્યું છે. આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે બની રહેલા રામ વનનું 98 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રામ વનની વિશેષતા એ છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે.
સૌપ્રથમ રામ વનના પ્રવેશ દ્વાર એટલે કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે. થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. ત્યારબાદ થોડે આગળ જટાયુ ચોક ખાતે જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. તેના પર જટાયુ બેઠેલા નજરે પડે છે. તેનાથી આગળ બાળકોને રમવા માટે હીંચકા, લપસીયા અને નાનું મેદાન બનાવ્યું છે. અહીં સાથે સાથે ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા હતા તે યોગ મુદ્રાના સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામનો રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. નાનું તળાવ બાદમાં મોટું તળાવ, રામ અને શબરીનું મિલન જોવા મળે છે. જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે.
રામ વનમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે
થિયેટરની આગળ જોવામાં આવે તો ભગવાન રામ અને સુગ્રીવ સેનાએ તેમજ તેનાથી આગળ જડીબુટીના બદલે આખો પર્વત ઉપાડીને લઇ આવેલા હનુમાનજી મહારાજનું સ્કલ્પ્ચર જોવા મળે છે. બાદમાં આગળ રામ અને સીતા માતા હરણને નિહાળતા સ્કલ્પ્ચર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ખાસ તળાવ ઉપર એક રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. રામ-લક્ષ્મણ અને સીતાના વનવાસ સમયની ઝાંખી કરાવતું સ્કલ્પ્ચર જોવા મળે છે.


comments powered by Disqus