અંબાજી મંદિર પરિસર ભવ્યાતિભવ્ય બનશે

Tuesday 19th July 2022 11:53 EDT
 
 

પાલનપુર: યાત્રાધામ અંબાજીના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે વધતી જતી ભાવિકોની સંખ્યાને ધ્યાને લઈ એને આગામી સમયમાં દર્શનાર્થીઓને તકલીફ ન પડે અને અંબાજી વિસ્તારમાં નવી રોજગારીની તકો ઊભી થાય તે માટે આયોજન કર્યું છે. જેમાં મંદિર પરિસરમાં વધુમાં વધુ ભાવિકો એકસાથે દર્શન કરી શકે તે મુજબનું આયોજન કર્યું છે. જેમાં મંદિરની આસપાસના 6146 ચોરસમીટર એરિયામાં વિકાસકાર્ય કરાશે. તે અંગે કોમ્પલેક્સની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. અંબાજી મંદિર પરિસર75 મીટર વિસ્તારમાં વિકાસકાર્યના હેતુસર નવી બિલ્ડીંગ માટે અંદાજે 62 કરોડનો ખર્ચ કરવા માટે જોગવાઈ કરવા આયોજન કરવામાં આવશે. અંબાજી મંદિરમાં 3 કિ.મી.ના પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ સો અંગે પણ આયોજન કરાશે.
અંબાજીનો નવો રેલ માર્ગ ડુંગરો ચીરીને 11 ટનલમાંથી અને 15 સ્ટેશન પરથી પસાર થશે
ભાદરવી પુનમના પદયાત્રીઓની સૈકા જૂની ''હેંડ અંબાજી રેલ ગાડી.., મને અંબે માની યાદ આવી'' ગીતના શબ્દોની પરિકલ્પના આગામી પાંચેક વર્ષમાં પૂર્ણ થશે. 51 શક્તિપીઠો પૈકી 'હૃદયસ્થ' અંબાજી શક્તિપીઠને ભારત સરકારે અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિત દેશભરના રેલ નેટવર્ક સાથે જોડવા કરેલા નિર્ણયથી ગુજરાતને સૌથી પહેલો 11 ટનલ ધરાવતો રેલમાર્ગ ઉપલબ્ધ થશે. તારંગા હિલથી અંબાજી થઈને રાજસ્થાનના આબુરોડના 116.65 કિલોમીટરના રૂટમાં નવી રેલ લાઈન તારંગા, દાંતા અને આબુના ડુંગરાઓમાંથી પસાર થશે. મહેસાણા જંકશનથી વાયા વડનગર તારંગા હિલ વચ્ચે પહેલાથી જ રેલ્વે લાઈન છે. બ્રોડગેજમાં રૂપાંતર બાદ તારંગા (વરેઠા)ને સીધા ગાંધીનગર સાથે જોડવામા આવ્યુ છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું છે કે, આ રેલ લાઈન ઉપર કુલ 15 સ્ટેશનનો પ્રસ્તાવ છે. જેમાંથી 8 સ્ટેશને ક્રોસિંગ અને 7 સ્ટેશને સ્ટોપેજની વ્યવસ્થા અપાશે. આ આખો રૂટ ગુજરાતમાં સૌથી પછાત આદિવાસી ક્ષેત્ર હડાદમાંથી પસાર થશે. એક રીતે હડાદમાં પહેલી વખતે રેલ્વેની વ્હિસલ ગુંજશે. તારંગા પછી ડુંગરાળ ક્ષેત્ર શરૂ થતો હોવાથી આખાય રૂટમાં 11 ટનલ, 54 મોટા પુલ, 151 નાના પુલ, 8 ઓવરબ્રીજ અને 54 જેટલા રોડ અંડરબ્રીજ બનશે. આ નિર્માણ ગુજરાતમાં સૌથી ટૂંકા અંતરમાં સૌથી વધુ બની રહેશે.


comments powered by Disqus