કચ્છના આધોઇમાં અંધશ્રદ્વાએ બાળકીનો જીવ લીધો...?

Tuesday 19th July 2022 11:59 EDT
 

ગાંધીધામઃ ગાંધીધામના એરપોર્ટ ચાર રસ્તે, અંબાજી સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવીંગના વ્યવસાય સાથે જોડાયેલા રમેશ રામશીભાઈ કોલીની પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી 11 વર્ષીય પુત્રી જીજ્ઞાને તાવ અને અન્ય શારિરીક તકલીફો ધ્યાનમાં આવતા તેમણે સ્થાનિક ડોક્ટરનો સંપર્ક સાધ્યો હતો. જેમાં તેણીને કમળો હોવાનું સામે આવતા તેની દવાઓ લીધી હતી. દરમ્યાન તેમની માતા અને ફોઈ ભચાઉના આધોઈમાં સંબંધીના ઘરે ગયા હતા, જ્યાં બાળકીની તબીયત ફરી ખરાબ થઇ હતી. પડોશમાં કોઇક શ્રમિક ઊંટવૈદું કરતો હોવાનું જણાતાં તેઓ બાળકીને લઇ તેની પાસે ગયા હતાં જ્યાં તેણે બાળકીના પેટમાં ડામ આપશે તો તબીયત સારી થઈ જશે એમ કહીને માસુમ બાળકીના પેટમાં અગરબતીના ચાર ડામ દીધા હતા. બિમાર બાળકીની તબિયત વધુ લથડી હતી. બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ બાળકી હૃદય, કીડની અને લોહીની ગંભીર બીમારીથી પીડાતી હતી.


comments powered by Disqus