જામકંડોરણા: જામકંડોરણાના તાલુકાના મોટા દુધીવદર ગામની પ્રાથમિક શાળા સમગ્ર રાજકોટ જિલ્લાં સર્વપ્રથમ ફુલ્લી સ્માર્ટ પ્રાથમિક શાળા છે. આ શાળામાં માત્ર અદ્યત્તન ટેકનોલોજી જ નહીં પરંતુ શિક્ષકો દ્વારા કરાયેલા મહેનતને પરિણામે અવળી ગંગા વહી રહી છે. સામાન્ય રીતે ગામડાઓમાંથી શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ શહેરોમાં જતા હોય છે. જ્યારે અહીં ઊલટું છે. મોટા દુધીવદર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જામકંડોરણા અને ધોરાજી જેવા શહેરોમાંથી આવી રહ્યા છે.
શાળાના આચાર્ય વિજયભાઈ વ્યાસે જણાવેલ કે મોટા દુધીવદર પ્રાથમિક શાળા એ રાજ્યની શ્રેષ્ઠ શાળાઓ પૈકી છે તેમ જ રાજકોટ જિલ્લાની ફુલ્લી સ્માર્ટ શાળા છે તમામ વર્ગખંડોમાં લેપટોપ ઇલેક્ટ્રોનિક બોર્ડ પ્રોજેક્ટર લગાવવામાં આવ્યા છે સમગ્ર શાળા ઓનલાઈન અને વાઈફાઈ સુવિધા ધરાવે છે. શાળામાં મેદાન ઉપરાંત રમતગમતના સાધનો સંગતીના સાધનો લાઈબ્રેરી સહિત તમામ સુવિધાઓ છે. ગુણોત્સવમાં સતત પાંચ વખત એ પ્લસ તેમજ સ્કૂલ ઓફ એક્સલંસમાં પસંદગી પામી છે. હાલ શાળામાં 197 વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8માં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનોમાં શહેરી વિસ્તારમાંથી ગામડાની આ શાળામાં ભણવા આવી રહ્યા છે.

