અમદાવાદઃ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2020-21માં ગુજરાતમાં ભાજપને રૂ. 46 કરોડ અને કોંગ્રેસને રૂ. 92.50 લાખનું રાજકીય દાન મળ્યું છે. એનસીપીને પણ રૂ. 10.95 લાખ દાન મળ્યું છે. દાન મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને કુલ મળીને રૂ. 47 કરોડ દાનપેટે મળ્યા છે.
દેશમાં રાજકીય પક્ષો પાસેથી દાન મેળવવામાં દિલ્હી ટોપ રહ્યું છે. દિલ્હીમાં રાજકીય પક્ષોને રૂ. 246 કરોડ દાનપેટે મળ્યા છે અને જ્યારે મહારાષ્ટ્રને રૂ. 71 કરોડ અને ગુજરાતને રૂ. 47 કરોડ દાન મળ્યું છે. ભાજપને કુલ 659 ડોનેશન મળ્યા છે જેમાં રૂ. 46 કરોડ દાનપેટે રકમ મળી છે. ભાજપને સૌથી વધુ દાન નિરમા લિમિટેડે રૂ. 10 કરોડ આપ્યા છે. આ તરફ ગુજરાત કોંગ્રેસને માત્ર રૂ. 92.50 લાખ દાન મળ્યું છે. કોંગ્રેસને પણ સૌથી વધુ દાન નિરમા લિમિટેડે જ આપ્યું છે. નિરમાએ કોંગ્રેસને રૂ. 60 લાખ દાન આપ્યું છે. એનસીપીને પણ રૂ. 10.75 લાખ દાન મળ્યું છે. ભાજપને વર્ષ 2019-20માં દેશભરમાંથી રૂ. 785.77 કરોડ દાન મળ્યું હતું પણ વર્ષ 2020-21માં રૂ. 477.54 કરોડ દાન પેટે મળ્યા હતાં એટલે કે દાનની રકમમાં 39 ટકાનો ઘટાડો થયો હતો. આ જ પ્રમાણે, કોંગ્રેસને વર્ષ 2019-20માં રૂ. 139.01 કરોડ દાન મળ્યું હતું પણ વર્ષ 2020-21માં માત્ર રૂ. 74 કરોડ દાન પ્રાપ્ત થયું હતું.

