અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને મોટાભાગના સ્થળોએ સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં હજુ સુધી 19 ઈંચ સાથે મોસમનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોય તેવો કચ્છ પ્રથમ જિલ્લો છે.
ગુજરાતમાં રવિવાર સુધી 16 તાલુકામાં 2થી 4.92 ઈંચ, 73 તાલુકામાં 4.96થી 9.84, 82 તાલુકામાં 9.88થી 19.68, 54 તાલુકામાં 19.72થી 39.37 જ્યારે 26 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રીજીયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 18.40 ઈંચ સાથે મોસમનો 102.47 ટકા, દક્ષિણ ગુજરાતમાં 42.22 ઈંચ સાથે મોસનો 72.67 ટકા, સૌરાષ્ટ્રમાં 16.13 ઈંચ સાથે મોસમનો 57.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 14.04 ઈંચ સાથે મોસનો 44.27 ટકા અને ઉત્તર ગુજરાતમાં 8.96 ઈંચ સાથે મોસમનો 31.63 ટકા વરસાદ નોંધાયો છે.
અવિરત વરસાદથી ગુજરાતના મુખ્ય
207 જળાશયોમાં 51 ટકા જળસંગ્રહ
ગુજરાતમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્ત્વની 207 જળ પરિયોજનાઓમાં અત્યાર સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જે પૈકી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહશક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 54.18 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 27 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141નો સમાવેશ છે.
ગુજરાતમાં વીજળી પડવાના કારણે 5 વર્ષમાં 238નાં મોત
ગુજરાતમાં વરસાદી આફતમાં વીજળી પડવાના કારણે પાંચ વર્ષમાં 238 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વખતે પણ વરસાદી કહેરમાં વીજળી પડવાથી મોત થયાની સંખ્યાબંધ ઘટના સામે આવી છે વર્ષ 2020માં ગુજરાતમા વીજળી પડવાથી 78 લોકનાં મોત થયા હતા. ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટના બને તે પહેલાં લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વીજળી પડવાના કારણે પાંચ વર્ષમાં 238 લોકનાં મોત થયા છે. દેશમાં દરવર્ષે વીજળી પડવાના કારણે અંદાજે 2350થી 3 હજાર જેટલાં લોકોનાં મોત થાય છે. સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2016માં 29 લોકોના વીજળી પડવાથી મોત થયા હતા, એ પછીના વર્ષ 2017માં 54, વર્ષ 2018માં 13, વર્ષ 2019માં 64 અને વર્ષ 2020માં 78 લોકોનાં મોત થયા છે. દેશમાં વર્ષ 2020માં 2862 લોકોનાં મોત થયા હતા, જે પૈકી બિહારમાં સૌથી વધુ 436 લોકોનાં મોત થયા હતા.

