પતિને જેલમાંથી છોડાવવા પત્ની રૂ. 1.50 કરોડના સોનાનાં ઘરેણાં લઇ ફરાર

Tuesday 19th July 2022 11:48 EDT
 
 

રાજકોટઃ દારૂ, મારામારી અને હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલી નામચીન મહિલાએ હત્યા કેસમાં જેલમાં રહેલા પતિને છોડાવવા માટે ખોફનાક કાવતરું રચ્યું હતું, રાજકોટની શહેરના જાણીતા TBZ જ્વેલર્સના કર્મચારીનો વિશ્વાસ જીત્યા બાદ વીડિયોકોલથી કરોડો રૂપિયાના દાગીના પસંદ કરી તે દાગીના ઘરે મગાવ્યા હતા અને તેમાંથી રૂ.1,48,43,282ના દાગીના પસંદ કરી તેનું અલગ પાર્સલ બનાવડાવી તે પાર્સલ કર્મચારી પાસેથી લૂંટી લીધું હતું, મહિલાને આ લૂંટમાં તેના પિતા અને સગીરવયના પુત્રએ પણ મદદ કરી હતી, પોલીસે મહિલાને ઝડપી લઇ અન્ય બે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી (ટીબીઝેડ)ના મેનેજરની ફરિયાદ મુજબ બિલ્કિશ મોટાણી સાતેક વર્ષથી તેના શો-રૂમની નિયમિત ગ્રાહક છે અને તે અવારનવાર ડાયમંડ અને સોનાની મોટી ખરીદી કરે છે. બિલ્કિશે સોના અને ડાયમંડના કેટલાક દાગીના પસંદ કરી જોવા માટે ઘરે મંગાવ્યા હતા. ચાર કર્મચારી 2.50 કરોડના દાગીના લઇને પહોચ્યા હતા. તેમાંથી આશરે 1.50 કરોડના દાગીના પસંદ કરી અલગ બોક્સ કરાયું હતું. પછી બિલ્કિશ પાર્સલ પડાવી લઇ પુત્ર અને પિતા સાથે ભાગી ગઈ હતી. ઘટનાની જાણ બાદ પોલીસે બિલ્કીશને ઝડપી લીધી. બિલ્કિશે કબૂલાત આપી હતી કે, તેનો પતિ યાકુબ મોટાણી હત્યા કેસમાં જેલમાં હોય તેને છોડાવવા માટે નાણાંની જરૂરિયાત હોવાથી લૂંટનું કાવતરું ઘડ્યું હતું.


comments powered by Disqus