મુખ્યમંત્રીએ વહીવટી કામકાજ અને બેઠકોમાં હાજરી આપી 61મો જન્મદિન મનાવ્યો

Wednesday 20th July 2022 08:47 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી કામગીરી અને બેઠકોમાં હાજરી આપીને તેમનો 61મો જન્મદિન મનાવ્યો છે. તેમણે દિવસની શરૂઆત અડાલજના ત્રિમંદિરે દર્શનથી કરી હતી. તેમના જન્મદિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે IIT RAM, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, મોઢેરા ડેવલપમેન્ટ, અંબાજી મંદિર ડેવલોપમેન્ટ જેવા અતિ મહત્વના અને પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી, એ ઉપરાંત રાજ્યના મહાનગરોમાં મેટ્રો રેલના નિર્માણની કામગીરીનો ચિતાર પણ તેમણે આ સમીક્ષા બેઠકો દરમિયાન મેળવ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને ટેલિફોન કરી શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ શુભેચ્છકોનો આભાર માન્યો હતો.


comments powered by Disqus