માણસા: માણસા પંથકમાં વધુ એક કબૂતરબાજીના બનાવમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો છે. આ યુવાનને એજન્ટો મારફત અમેરિકા મોકલવાની ખાતરી આપવામાં આવ્યા બાદ તેને કોલકાતા લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી યુવાન ગુમ થઈ ગયો હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. યુવાનના પરિવારજનો પાસેથી એજન્ટોએ 22 લાખની માંગણી કરી છે. માણસા તાલુકાના પરબતપુરા ગામે રહેતા અને ઇલેક્ટ્રીકના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ પટેલ ગાંધનગર સરગાસણ ખાતે રહેતા સાળા અંકિત કુમારને અમેરિકા મોકલવા માટે પરબતપુરા ગામના રમણભાઈ અમથારામ પટેલ સાથે બે મહિના અગાઉ વાતચીત કરી હતી. તે વખતે રમણભાઈએ અમદાવાદના બે એજન્ટ દીપેન ભુપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રભાઈ શાહ સાથે સંપર્ક કરાવ્યો હતો. અમેરિકા મોકલવાનું ફાઈનલ ડીલ થતા ગત 6 જુલાઈએ અંકિતને પરિવારજનો 3000 કેનેડિયન ડોલર સાથે અમદાવાદ એરપોર્ટથી કોલકાતા મોકલી આપ્યો હતો. અંકિતે કોલકાતા પહોંચ્યાની સાગર અને વિજય એરપોર્ટ પર લેવા આવ્યા હોવાનું પરિવારને જણાવ્યું હતું. બીજા દિવસે સવારે અમદાવાદના એજન્ટે પરેશભાઈને ફોન કરીને અમેરિકન ડોલર લેવા પડશે તેવી વાત કરતા તેમણે માણસાથી આંગડિાય દ્વારા અંકિતને એક લાખ રૂપિયા મોકલાવ્યા હતા. બાદમાં અંકિતનો સંપર્ક થયો નહોતો. અમદાવાદ જમાલપુરથી સરફરાજ અહેમદ હુસેન કુકુવાલા અને તફિક હાજી મોહમ્મદ ગુલ ગુલવાલાએ 22 લાખની માગણી કરી હતી. પરિવારે અંકિતને અજ્ઞાત સ્થળે ગોધી રાખ્યાની શંકાએ ફરિયાદ નોંધાવી હતી.
