G-20ની થીમ પર ગુજરાતમાં 4 સ્થળે યોજાશે કાઇટ ફેસ્ટિવલ

Wednesday 21st December 2022 05:18 EST
 
 

2 વર્ષના કપરા કોરોનાકાળ બાદ આ વર્ષે અમદાવાદ સહિત ગુજરાતના 4 શહેરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે 8 જાન્યુઆરી 2023થી 14 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે. આ પતંગોત્સવમાં વિશ્વના અનેક દેશોના પગંતબાજો પોતાની અવનવી પતંગો સાથે હાજરી આપશે.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
પતંગોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પર્ફોર્મન્સ કરશે. આ ઉપરાંત લોકોના આકર્ષણ માટે પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવશે.
G-20-આઝાદીના અમૃત મહોત્સવની થીમ રહેશે
આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદીના અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવશે. ફેસ્ટિવલમાં G-20 સમિટના કેટલાક અંશ જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેટલાક અંશ જોવા મળશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવનું આયોજનઅમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ ઊજવાશે. વડોદરા તરફથી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ યોજવા અંગે આયોજન કરાયું છે.
પતંગ બજારમાં પણ મોદી મેજિક
ગુજરાતમાં ઉત્તરાયણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે પતંગ બજારમાં ભાજપની વિધાનસભામાં મોટી જીત અંગે વિવિધ પતંગો વેચાઈ રહ્યા છે. જેમાં ફિલ્મી હીરો-હીરોઇન, ક્રિકેટર્સની સાથે મોદીના ફોટો અને ભાજપના સ્લોગનના પતંગો હોટફેવરિટ છે.


comments powered by Disqus