અમારે વિકાસ જોઈતો નથી, તમારે ‘આપ’ છોડીને ક્યાંય જવાનું નથી

Wednesday 21st December 2022 05:59 EST
 
 

જૂનાગઢઃ વિસાવદરમાં ચૂંટાયેલા આપના ધારાસભ્યએ ચૂંટાયાને ગણતરીની કલાકો બાદ જ ભાજપના ગુણગાન ગાવાનું શરૂ કર્યું હતું. ભાજપમાં જોડાણ કરે તેવી અટકળો તેજ થતાં વિસાવદરની પ્રજામાં ભારોભાર રોષ ભભૂકી ઊઠ્યો હતો, તેવામાં ભેસાણ ખાતે ધારાસભ્યએ બોલાવેલી સભામાં સ્થાનિક લોકો- આગેવાનોએ ધારાસભ્યનો ઉધડો લઈ અને ભાજપમાં નહીં જોડાય તેવું ધરાર વચન લીધું હતું.
આ દરમિયાન ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આયોજિત કરેલી એક સભામાં આગેવાનો અને મતદારો તથા સ્થાનિકોએ ધારાસભ્યની ઝાટકણી કાઢીને રોકડું પરખાવ્યું હતું કે, ‘રસ્તા, લાઇટ, પાણી સહિતનાં કોઈપણ કામ ન થાય તો પણ અમને મંજૂર છે, પરંતુ ભાજપ સાથે જવાનું નથી તેવું તમે જાહેરમાં વચન આપો.’
ભાજપ આજેય નહીં અને કાલે પણ નહીં
સભાની શરૂઆત થતાં જ એક જાગૃત મતદાર બોલ્યા કે, ભૂપત ભાયાણીએ કેવાં કામ કર્યાં છે તે તમામ વસ્તુની ખબર છે, પરંતુ અમારે આજે ભાજપ જોઈતો નથી અને કાલે પણ નહીં.
હવે કોઈને પૂછવું જ નથી, જનાદેશ મળી જ ગયો છે
ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાષણ કરી રહ્યા હતા તેવામાં પાછળથી એક અગ્રણીએ ઊભા થઈને કહ્યું કે, કોઈને પૂછવાનું છે જ નહીં, હવે શું પૂછવાનું હોય? લોકોએ જનાદેશ જે આપવાનો હતો તે આપી દીધો છે. એટલે હવે કંઈ પૂછવાનું છે નહીં. એક નાગરિકે કહ્યું હતું કે તમારે પાંચ વર્ષ સુધી ક્યાંય જવાનું છે નહીં અને જવું હોય તો પાંચ વર્ષ બાદ જજો.


comments powered by Disqus