અમદાવાદઃ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમેરિકા મોકલવા કબૂતરબાજીનું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવનારા ભરત ઉર્ફે બોબીને ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે. સાથે જ તેની ઓફિસ ૫૨ સર્ચ ઓપરેશન હાથ ધરીને 94 શંકાસ્પદ પાસપોર્ટ, બે લેપટોપ તથા યુરોપના દેશોના શેન્ઝેન વિઝા જપ્ત કરી આરોપી ભરતની સઘન પૂછપરછ હાથ ધરી છે.
ઇન્ટરનેશનલ રેકેટ ચલાવનારા આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ (રહે. ભાડજ સર્કલ) હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ખોટા પાસપોર્ટ તેમજ વિઝા માટેના ખોટા દસ્તાવેજો બનાવીને કબૂતરબાજીનું કામ કરતો હતો. પોલીસે તેની પૂછપરછ બાદ ભરત ઉર્ફે બોબીની ચાંદલોડિયા અને વાડજ ઓફિસે પણ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને તેની ઓફિસમાંથી 94 શંકાસ્પદ પાસપોર્ટ મળી આવ્યા હતા. આ સાથે ઓફિસમાંથી બે લેપટોપ તથા યુરોપના દેશોના શેન્ઝેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. એસએમસીની ટીમે આ તમામ વસ્તુઓ જપ્ત કરીને આરોપી ભરત ઉર્ફે બોબી પટેલની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે માહિતી એકત્ર કરી તેમની પણ શોધખોળ હાથ ધરી છે.
અમેરિકન પોલીસના ચોપડે માનવ તસ્કરીના કિંગપિંગ ભરત ઉર્ફે બોબી પટેલને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા બાદ વડોદરા શહેર-જિલ્લા અને આસપાસના 100 જેટલા લોકો ગેરકાયદે અમેરિકામાં ઘૂસી ગયા હોવા ઉપરાંત 20 જેટલા લોકો ઘૂસવા માટે રાહ જોઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, ડભોઈનો એક યુવક અમેરિકામાં ગેરકાયદે ઘૂસતાં મોતને ભેટ્યો હતો.
તપાસ દરમિયાન બોબી પટેલે છેલ્લાં 35 વર્ષ ઉપરાંતના સમયમાં હજારો લોકોને જુદાજુદા માર્ગે અલગ-અલગ રીતો અપનાવી અમેરિકામાં ઘુસાડી દીધા છે. જ્યારે જાન્યુઆરીમાં કેનેડાની સરહદથી અમેરિકા ઘૂસતા પટેલ પરિવારની 4 વ્યક્તિના બરફમાં થીજી જતાં મોત નીપજ્યાં હતાં. એ પરિવારને પણ બોબી પટેલે જ મોકલ્યો હોવાનું માનવામાં આવે છે.

